(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨
જામનગરના વુલન મીલ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગર પાસે ગઈકાલે બપોરે બે યુવાનો પર ત્રણ શખ્સોએ રિક્ષામાંથી અરિસો તથા પૈસા કાઢી લેવાની બાબતે જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીંકયા પછી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બીજા ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી હત્યા, હત્યા પ્રયાસ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવની જાણ થતાં હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો ઉમટી પડયા હતા. જામનગરના વુલન મીલ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરની શેરી નં.૪માંથી ગઈકાલે બપોરે બેએક વાગ્યે કિશનભાઈ દાનજીભાઈ પરમાર (ઉ.વ.૨૬) તથા મનોજભાઈ હરિશભાઈ મણવર (ઉ.વ.૨૫) મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે તેઓએ કિશનભાઈના માતા અમૃતબેનને ત્યાં જ રહેતા જીજ્ઞેશ માવજીભાઈ જાદવ ઉર્ફે કાળી માટી, અર્જુન રમેશભાઈ રાઠોડ ઉર્ફે લાલા તથા સંદીપ શાંતારામ શિન્દે સાથે ઝઘડો કરતા જોયા હતા. આથી ત્યાં આવેલા કિશનભાઈ અને મનોજભાઈએ અમૃતબેનને કારણ પૂછતા તેઓએ ઉપરોક્ત ત્રણેય શખ્સોને કિશનભાઈના કાકા વિરજીભાઈ પરમારની ઘર પાસે પડેલી રિક્ષામાંથી અરિસો તેમજ રૂા.ર૪૦૦ની રોકડ કાઢી લેતા જોયા હોવાનું કહ્યું હતું. આથી કિશન તથા મનોજભાઈએ ઉપરોક્ત ત્રણેય શખ્સોને અરિસા અને રોકડ બાબતે પૂછતા સંદીપ શિન્દેએ ઘરે જઈ તેની માતાને પૂછવાનું કહ્યું હતું આથી તેઓ ત્યાંથી રવાના થયા હતા તે દરમ્યાન માર્ગમાં જ છરી સાથે રિક્ષામાં ધસી આવી કિશન તથા મનોજભાઈને આંતરી લીધા હતા અને છરીઓના ખચાખચ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં મનોજને અર્જુન તથા જીજ્ઞેશે પકડી રાખ્યો હતો. જ્યારે સંદીપે છરીના છાતીમાં તેમજ સાથળમાં ઘા ઝીંકયા હતા આથી તે યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જ્યારે જીજ્ઞેશ અને અર્જુને સળિયા વડે કિશનને ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યાર પછી હુમલાખોરો નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં કિશન તથા મનોજના પરિવારજનો દોડી આવ્યા હતા. તેઓએ બન્નેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા તે દરમિયાન પોલીસ કાફલો પણ ધસી આવ્યો હતો. તબીબોએ બન્ને ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી તે દરમિયાન મનોજભાઈનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે, અન્ય ઈજાગ્રસ્ત કિશનને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે તેના નિવેદન પરથી જીજ્ઞેશ, સંદીપ તથા અર્જુન સામે ગુનો નોંધ્યો છે. આ ઈજાગ્રસ્તે પોતાની કેફિયતમાં જણાવ્યા મુજબ ઉપરોકત ત્રણેય શખ્સો હુમલા વેળાએ રૂા.રર હજારની રોકડ પણ લૂંટી ગયા છે. પોલીસે લૂંટની કલમનો પણ ઉમેરો કર્યો છે.