(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
ચોક બજાર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક બહાર ૨૦ લાખની સનસનાટીભરી લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. વિવિધ બેંકમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી કંપનીની વેનમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવા માટે લૂંટારૂઓ રિક્ષામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉધના સિલિકોન શોપર કોમ્પલેક્સમાં આવેલી રેડિયન્ટ કંપની વિવિધ બેંકોમાંથી રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે. આજે કંપનીની ગાડી રૂપિયા લઈને ડ્રાઈવર સુભાષ અને ગનમેન રમેશસીંગ ચોકબજાર ખાતે આવેલી એસબીઆઈ બેકમાં રૂપિયા જમા કરાવવા ગયા હતા. ગનમેન ગાડીમાં બેઠો હતો અને ડ્રાઈવર ૪૨ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરાવવા ગયો હતો. દરમિયાન રિક્ષામાં અજાણ્યા ચાર જેટલા ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ ગનમેનને કહ્યું હતું કે, તમારા ૧૦ રૂપિયા પડી ગયા છે. ગનમેન ગાડીમાંથી ઉતરીને ૧૦ રૂપિયા લેવા જતા અજાણ્યા ચપળતાથી ગાડીમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રિક્ષામાં ફરાર થઈ જાય છે. ગનમેનને બેગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થાય છે. દરમિયાન ડ્રાઈવર પણ આવી જાય છે. બનાવ સંદર્ભે જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.
૨૦ લાખની લૂંટની ઘટનાની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલ, ડોગ સ્કવોડની ટીમ જોડાઈ છે. પોલીસ તપાસ કરતા બેંકના સીસી. કેમેરામાં ઘટના કેદ થઈ ગઈ છે. જ્યારે પોલીસને લૂંટારૂ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતા પોલીસે રિક્ષાચાલક અને તેના સાથીઓને ઊંચકી લીધા હોવાની હકીકત જાણવા મળી છે.
ચોક બજાર ખાતે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે. જેનાથી અંદાજે ૨૦૦ મીટરના અંતરે જ એસબીઆઈ બેંકની ચોકબજારની શાખા આવેલી છે. જેમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી ખાનગી કંપનીની વેનમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી.