(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
રીક્ષામાં કપડા ભરેલા પોટલાની વચ્ચે બિયર ટીનનો જથ્થો છૂપાવી થતી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં નવાપુરા પોલીસને સફળતા સાંપડી છે.
પ્રાપ્ત માહિતીનુસાર નવાપુરા પોલીસ મથકનાં પોસઇ એઆર મહીડા તથા સ્ટાફના માણસો રાત્રિના સમયે પેટ્રોલિંગમાં નિકળ્યા હતા. લાલબાગ બ્રિજ નજીકથી પસાર થતી રીક્ષાને આંતરી લીધા બાદ તેમાં બેઠેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી. મુસાફરો પાસેના પોટલા ખોલવામાં આવ્યા બાદ તપાસણી હાથ ધરવામાં આવી હતી. કપડાની વચ્ચે બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછના બિયર ટીનનો જથ્થો દિપક ઉર્ફે ગેંડાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ બિયર ટીનનો જથ્થો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
નવાપુરા પોલીસ મથકે નશાબંધી ધારા હેઠળ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અલ્પેશ નટવરભાઇ દેવીપૂજક રાહુલ રાજુભાઇ દંતાણી તથા લક્ષ્મીબેન ઉર્ફે રજની બાદલભાઇ ગોદડીયા (ત્રણેવ રહે. ગોદડીયાવાસ, નવાપુરા)ની ધરપકડ કરી હતી. બુટલેગર દિપક ઉર્ફે ગેંડા નવાપુરાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.