અમદાવાદ, તા.૨૦
“સફળતા”એ મહેનત કરનારને પસંદ કરે છે. એના પર કોઈ એક સમાજ, જ્ઞાતિ કે વ્યક્તિનો અધિકાર નથી હોતો. આ બાબતને સાચી કરી બતાવી છે. દાણીલીમડાની એમએસ પબ્લિક સ્કૂલના એક વિદ્યાર્થીએ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમમાં વિના ટ્યુશને ૯ર પર્સેન્ટાઈલ રેન્ક મેળવી એક રિક્ષા ડ્રાઈવરના પુત્ર આફતાબ શેખે ઘર, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. બાળપણથી મેડિકલ ક્ષેત્રે અભ્યાસની ઈચ્છા રાખનાર આફતાબે ધો.૧૦મા ૯૩ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી સાયન્સમાં ભણવાનું વિચાર્યું પણ મોંઘી સ્કૂલ ફી અને ટ્યુશન ફીને કારણે તે મૂંઝાયો, જ્યારે તેને ખબર પડી કે તે જ્યાં ધો.૧૦ સુધી ભણ્યો છે, તે એમએસ પબ્લિક સ્કૂલમાં ૧૧-૧ર અંગ્રેજી માધ્યમ સાયન્સ પણ છે, ત્યારે તેણે ત્યાં જ એડમિશન લીધુ. કેમ કે, મધ્યમ અને ગરીબ વર્ગને પોષાય તેવી ફી હતી. પિતાનું સ્વપ્ન પૂરૂં કરવા આફતાબે મહેનત શરૂ કરી તે ૧૧મા ધોરણમાં હતો, ત્યારે પિતાને પેરેલિસિસનો સ્ટ્રોક આવતા ઘરમાં આર્થિક સંકડામણ ઊભી થઈ. આ સમયે આફતાબ અને તેની બહેનોએ પતંગનો વ્યવસાય કરી ઘર પણ ચલાવ્યું સાથે ટ્યુશન વિના અભ્યાસ પણ ચાલુ રાખ્યો આફતાબના જણાવ્યા મુજબ તેને આ સફળતામાં ઘર-પરિવારની સાથે તેની શાળા અને શિક્ષકોનો ભરપૂર સાથ મળ્યો એવી સારી તૈયારી કરાવાઈ કે, ટ્યુશનની જરૂર નથી. શાળામાં જે ચલાવે ઘરે જઈ પુનરાવર્તન કરવાનું અને ડિફિકલ્ટી હોય તો શાળામાં જે સોલ્વ પણ થઈ જાય અને આ જોરદાર મહેનતનું શાનદાર પરિણામ આવ્યું. આફતાબ આવનાર સમયમાં આગળ અભ્યાસ કરી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું વિચારી રહ્યો છે. સાથે જ તેના માટે અને તેના જેવા અનેક વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ એમએસ પબ્લિક શાળા પરિવારનો તે વારંવાર આભાર માનતા થાકતો નથી. આફતાબે મુસ્લિમ વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે આગળ આવવા તેમજ મેડિકલ સહિતના ઉચ્ચ ક્ષેત્રે કારકિર્દી ઘડવા અગ્રેસર થવા જણાવ્યું છે, તેના મતે અલ્લાહ પર ભરોસો રાખી દરેક વ્યક્તિ જો પોતાના સ્વપ્નને પૂરૂં કરવા ઈમાનદારી અને મહેનત સાથે આગળ વધે તો તેને સફળતા મળે જ છે. સાથે જ અનેક લોકો મદદરૂપ પણ બની જાય છે. જેમ તેને તેની શાળા અને શિક્ષકો મદદરૂપ બન્યા.