(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩૧
ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આજે વડોદરાના આગમન દરમિયાન સયાજીબાગ સ્થિત બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સંકલ્પ ભૂમિનું નિર્માણ અને દલિતોને થઈ રહેલા અન્યાય પર કાબૂ નહીં મેળવે તો આગામી ૧લી એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પહાર પહેરાવવા નહીં દઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા અને રિઝર્વેશન એક્ટ સહિતની ન્યાયિક માગણીઓ પહેલી એપ્રિલ સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પહાર પહેરાવવા નહીં દઈએ તેવો હું સંકલ્પ કરું છું. જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી હું દલિત સહિત કચડાયેલા વર્ગ માટે લડતો રહીશ. વડોદરાની સંકલ્પ ભૂમિ માટેની જગ્યા માટે વિધાનસભામાં રજૂઆત કરીશ. સંકલ્પ ભૂમિ ઉપર સ્મારક બનાવવા સ્થાનિક દલિત સમાજ આંદોલન કરી રહ્યું છે. તેમને મારો ટેકો છે. વિશ્વામિત્રી રિવરફ્રન્ટના નામે સંકલ્પ ભૂમિની જગ્યા જવા દઈશું નહીં. તેમણે ઉપસ્થિત દલિત સમાજના યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દેશના બંધારણની પ્રસ્તાવનામાં સમાનતાધારી વિચાર મૂકવામાં આવ્યો છે જે વિચારધારા માટે હું લડી રહ્યો છું. સંઘના વડા કહે છે કે દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ. પરંતુ હું દેશનું બંધારણ લાગુ કરવા આવ્યો છું. અમે લવ-જેહાદની વાત કરવા નહીં પરંતુ ઈન્સાનિયતની વાત કરવા માટે લડી રહ્યા છીએ. તેમણે રિઝર્વેશન એક્ટ લાગુ કરવા તેમના ખાલી પાછલી જગ્યાઓ ભરવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે, ૧લી એપ્રિલ સુધીમાં અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો ૧૪મી એપ્રિલે બાબાસાહેબની જન્મજયંતિના દિવસે કચ્છ-રાપર હાઈવે બંધ કરવા ચીમકી ઉચ્ચારી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ચીમકી આપતા જણાવ્યું હતું કે જન્મજયંતિના દિવસે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાળા ચડાવવા નહીં દઈએ. કચડાયેલા વર્ગ માટે આંદોલન કરવું એ જ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલી છે. આંદોલન એવું હોવું જોઈએ કે સરકારને માગણીઓ સ્વીકારવા મજબૂર બનવું પડે. તેના માટે હું જેલમાં જવા તૈયાર છું. તેમણે દલિત યુવાનોને કહ્યું હતું કે હવે આપણું લક્ષ્ય ર૦૧૯ની લોકસભા ચૂંટણીનું અને તેના દ્વારા કોમવાદી અને જાતિવાદી તત્ત્વોને ફેકી દેવાનું છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ શહેરના મુસ્લિમ અગ્રણીઓ સાથે પણ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી મુસ્લિમ સમાજના પ્રશ્નો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે દલિત, મુસ્લિમ તેમજ આદિવાસી સમાજના પ્રશ્નોને છણાવટ કરી દરેક સમાજના ૧૭ પ્રશ્નો લઈ કુલ પ૧ પ્રશ્નોનો મેમોરેન્ડમ મુખ્યમંત્રીને આપવામાં આવશે તેમજ આગામી તા.ર માર્ચના રોજ દલિત, મુસ્લિમ એકતા સંમેલનનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે અને તે માટે ર૧ સભ્યોની વોર્ડ સમિતિ અને શહેર સમિતિ બનાવી દલિત, મુસ્લિમ દેશને સંદેશો પહોંચાડવાનું આહ્‌વાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કર્યું હતું.