(એજન્સી) તા.૪
ઈન્ટીરીયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉકસાવવા મામલે મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. અર્નબની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી છે. જો કે સામે અર્નબે પોલીસ પર તેની સાથે મારઝુડ કરવાનો આરોપ લગાવ્યો છે. અર્નબે વળતા મુંબઇ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘પોલીસે પોતાના સાસુ-સસરા, પુત્ર અને પત્ની સાથે મારઝુડ કરી છે.’ તમને જણાવી દઇએ કે, અર્નબ ગોસ્વામી પર ૫૩ વર્ષીય ઇન્ટીરીયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે અર્નબ ગોસ્વામીની તેના ઘરેથી જ ધરપકડ કરી લીધી છે. મળતી વિગત મુજબ રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઇવ ફુટેજ પણ દેખાડ્યાં છે જેમાં પોલીસ અને અર્નબ વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, અર્નબ ગોસ્વામી પર એક ઈન્ટીરીયર ડિઝાઈનર અને તેમની માતાને આત્મહત્યા માટે ઉકસાવ્યાનો ગંભીર આરોપ છે. જેથી અર્નબની પોલીસે સીધી ઘરેથી જ ધરપકડ કરી લીધી છે. અર્નબ ગોસ્વામીની રાયગઢ પોલીસે આર્કિટેક્ટ અન્વય નાયકને આત્મહત્યા માટે ઉકસાવવા મામલે ધરપકડ કરી છે. આર્કિટેક્ટ અન્વય નાયકે મે ૨૦૧૮માં આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ એક સુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં અન્વયે આરોપ લગાવ્યો હતો કે, તેઓ આત્મહત્યા કરવા માટે મજબૂર છે કેમ કે અર્નબે તેઓને ૫.૪૦ કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી ન હોતી કરી. નાયક અને તેઓની માતાના અલીબાગ તાલુકના કવીર ગામમાં પોતાના ફાર્મહાઉસમાં મૃત હાલતમાં લાશ મળી આવી હતી. નાયક ફાર્મહાઉસના પહેલાં માળની સીલિંગે લટકેલા હતાં જ્યારે તેઓની માતાની લાશ ગ્રાઉન્ડ ફ્લોર પર બેડ પર મળી આવી હતી. પીડિતની પત્ની અક્ષતા નાયકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. તે ઘટના સમયે ઘરે હાજર જ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અર્નબની ધરપકડની નિંદા કરી અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન જાવડેકરે ટ્‌વીટ કરી જણાવ્યું કે, ‘અમે મહારાષ્ટ્રમાં પ્રેસની આઝાદી પરના હુમલાની નિંદા કરીએ છીએ. પ્રેસ સાથેના વર્તનની આ રીત નથી. આ આપણને આપાતકાળના તે દિવસોની યાદ અપાવે છે કે, જ્યારે પ્રેસ સાથે આ પ્રકારના વ્યવહાર કરવામાં આવ્યા હતા.