અમરેલી, તા.૧૭
અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ મથકના પીએસઆઇ એ એક દિવસના રિમાન્ડ ઉપર રહેલ આરોપીને ઘરે જવા દેતા પીએસઆઇ ને ઘરે જવાનો વારો આવ્યો હતો જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને બાતમી મળેલ કે ડુંગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલ ચાર આરોપી પૈકી એક આરોપી રિમાન્ડ પર હોવા છતાં હાજર ન હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ વડાએ રાજુલાના પીઆઇ દ્વારા ચેક કરાવતા એક આરોપી લોકઅપમાં નહીં પંરતુ તેના ઘરે હોવાનું સામે આવતા ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વિરૂદ્ધ તેમજ આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી પીએસઆઇને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર ડુંગર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા ફર્સ્ટ ગુના રજી.નંબર ૧૧/૨૦૧૯ના ગુનામાં પકડાયેલ આરોપી અલારખ બાલુભાઈ ગાહા તેમજ તેના પુત્રો અજિત, અસીર અને અમીનને નાણાં નિરધાર કેસમાં અટકાયતમાં લીધેલ હોઈ અને તે ચારેય આરોપીના એક દિવસના રિમાન્ડ હોવા છતાં ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.વી. પંડ્યાએ આરોપી અલારખ ગાહાને લોકઅપમાં રાખવાના બદલે તેના ઘરે જવા દીધેલ હોવાની બાતમી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને મળતા તેઓએ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.પી. ડોડિયાને ફોન કરી ડુંગર પોલીસ સ્ટેશને જઈ લોકઅપ ચેક કરવા આદેશ આપતા પીઆઇ ડોડિયા તેમજ સ્ટાફ ડુંગર પોલીસ સ્ટેશને પહોંચેલ હતો અને લોકઅપ ચેક કરતા તેમાં ત્રણ આરોપીઓ હતા જેથી પીઆઇ ડોડિયાએ પોલીસ સ્ટેશન ફરજ પર હાજર ચાર હોમગાર્ડને પૂછેલ કે અહીં કેટલા આરોપી હતા તેમણે જણાવેલ કે અમે ફરજ ઉપર હાજર થયેલ ત્યારના ત્રણ આરોપીઓ છે જે બાબતે ફરજ પરના પીએસઓ ચંદુભાઈ વૈશ્વણવને પૂછતાં જણાવેલ કે ચોથો આરોપી ક્યાં છે પીએસઆઇ પંડ્યા પાસે જેથી પીઆઇ ડોડિયા આરોપી અલારખ ગાહાને ઘરે તપાસમાં જતા ત્યાં અલારખ ઘરે જોવા મળેલ હતો અને ડુંગરના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ગોવિંદ હાજર હોઈ તેમને પુછાતા કહેલ જાણવેલ કે પીએસઆઈ પંડ્યા સાહેબના કહેવાથી આરોપીને લેવા આવ્યો છું.
આરોપીને પીએસઆઇ પંડ્યાએ રિમાન્ડ ઉપર હોવા છતાં આરોપીને ઘરે જવા દેતા જેથી પીઆઇ ડોડિયાએ સમગ્ર હકીકત જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને જણાવી રિપોર્ટ કરતા જિલ્લા પોલીસ વડાએ પીઆઇ ડોડિયાને ફરિયાદી બનાવી તેમની વિરૂદ્ધ આઇપીસી ૨૨૪, ૨૨૫ એ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બનાવને પગલે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયએ પીએસઆઇ વી.વી. પંડ્યાને સસ્પેન્ડ કરી દીધા હતા આમ એક આરોપીને ઘરે જવાની સવલત આપવા અંગે પીએસઆઇને ઘરે જવાનો વારો આવ્યો હતો.