અમદાવાદ, તા.૧૪
ભાજપ દ્વારા પુનઃ સત્તા મળે તો વિજય રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની જાહેરાતને જનવિકલ્પ પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલે હાસ્યાસ્પદ ગણાવીને જણાવ્યું હતું કે, રૂપાણીના રાજમાં ગુજરાતની શું હાલત થઈ છે તે પ્રજાએ જોયું છે. રૂપાણી રિમોટ કંટ્રોલથી ચાલતા મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાતની પ્રજાને રિમોટ કંટ્રોલથી ચાલતા આવા મુખ્યમંત્રી જોઈએ છે કે પછી પ્રજાને જેઓ હાઈકમાન્ડ માને છે તેવા સફળ, અનુભવી અને પ્રજાની નાડ પારખનાર શંકરસિંહ વાઘેલા જોઈએ છે ? ગુજરાતની પ્રજાએ રાજપા સરકારમાં વાઘેલા બાપુની સફળ અને પ્રજા ઉપયોગી કામગીરી જોઈ છે. પ્રજાના હિતમાં બાપુએ એક જ ઝાટકે તાલુકા-જિલ્લાઓનું વિભાજન કરીને ૬ નવા જિલ્લા અને રપ નવા તાલુકાઓનું સર્જન કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીમાં તાલુકા કે જિલ્લાનું તો શું એક ગામનું વિભાજન કરવાની પણ નૈતિક અને વહીવટી કુશળતા નથી. તેમણે દોઢ બે વર્ષ જે ગુજરાત ચલાવ્યું તે રિમોટ કંટ્રોલથી ચલાવ્યું તે સૌ જાણે છે. જેમના હાથમાં રિમોટ કંટ્રોલ છે તેમને પૂછયા વગર તેઓ પાણી પણ પી શકતા નથી એવા નબળા અને સેબીએ જેમની કંપનીને ૧પ લાખનો દંડ ફટકાર્યો તેવા મુખ્યમંત્રીને ફરી સત્તા સોંપવામાં આવે તો ગુજરાત ક્યાં જશે ? ગુજરાતને શંકરસિંહ વાઘેલા જેવા મુખ્યમંત્રીની જરૂર છે જેમને આખુ ગુજરાત ઓળખે છે. કોઈની મહેરબાનીથી મુખ્યમંત્રી બનેલી વ્યક્તિ પોતાના ગોડફાધરને રાજી કરશે કે પ્રજાનું કલ્યાણ કરશે ? રૂપાણીના શાસનમાં આજે આખું ગુજરાત દુઃખી છે. ગુજરાતની પ્રજા આવા પાણી વગરના રૂપાણીને કયારેય ચલાવી લેશે નહીં. ભાજપ ગમે તેટલા હવાતિયા મારે તો પણ રૂપાણીનો ચહેરો અને રિમોટ કંટ્રોલ જેમના હાથમાં છે તે મોહરો પણ હવે ગુજરાતમાં ભાજપને બચાવી શકે તેમ નથી. નીતિન પટેલને ભાજપ દ્વારા ઓન પેપર પણ પ્રમોશન મળ્યું નથી અને તેમને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત કરીને પાટીદાર સમાજને કહી દીધું છે કે તમને ઉંચું નહીં પણ નીંચું જ સ્થાન મળશે. પાટીદારએ સાનમાં સમજવાની જરૂર છે.