(એજન્સી) તા.૮
અંતે નાર્કોટિકસ બ્યુરો દ્વારા ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ બોલિવૂડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, શું ભારત હવે શ્વાસ લઈ શકશ છે ? હિન્દી ફિલ્મોની અભિનેત્રી બિદિતા બેગ અને પ્રખ્યાત લેખક ચેતન ભગતે ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, હવે કદાચ દેશના અસલ મુદ્દા તરફ ધ્યાન આપી શકાશે. બિદિતાએ જણાવ્યું હતું કે, હવે રિયાની ધરપકડ થઈ ચૂકી છે, મહેરબાની કરીને વાસ્તવિક મુદ્દા તરફ ધ્યાન આપવામાં આવે. આપણો દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેવા પ્રશ્નો ઉકેલવામાં આવે. ચેતન ભગતે પ્રશ્ન કર્યો હતો કે, શું હવે ભારત શ્વાસ લઈ શકે છે. ચેતન ભગતે જણાવ્યું હતું કે, કેટલીક ટીવી સમાચાર ચેનલો પર જશન જેવો માહોલ હશે. આ લોકો એવી રીતે ઉજવણી કરશે જાણે આપણે કોરોના, અર્થતંત્ર અને ચીન જેવા મામલા ઉકેલી લીધા હોય.
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અત્યાર સુધીની સૌથી મોટી ધરપકડ થઈ છે. આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ધરપકડ કરી છે. હવે બુધવારે (૯ સપ્ટેમ્બર)ના રોજ રિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ૯ સપ્ટેમ્બરના રોજ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતનાં રિમાન્ડ પૂરી થઈ રહ્યા છે. આથી એનસીબી રિયા અને આ ત્રણેને પણ એકસાથે જ કોર્ટમાં રજૂ કરશે. કોર્ટની કાર્યવાહી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.
સૂત્રો અનુસાર કોર્ટ પાસેથી એનસીબી રિયાની રિમાન્ડની માગણી કરશે જ્યારે બાકી ત્રણનાં રિમાન્ડનો સમયગાળો વધારવા માટે પણ કહેશે. રિયાએ પોતાની પર લાગેલા આરોપો ફગાવ્યા હતા. જોકે, ત્રીજા દિવસે પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે તેણે ડ્રગ્સ મેળવવામાં મદદ કરી હતી.
પૂછપરછમાં રિયાએ એ વાત પણ કબૂલ કરી કે તે સુશાંતની એ ડ્રગ્સ પાર્ટીઓમાં પણ તેણે હાજરી આપી હતી જ્યાં સુશાંતે તેને ડ્રગ્સ લેવાનું પણ કહ્યું હતું. રિયાએ કહ્યું કે તે શ્યોર નથી પરંતુ શક્ય છે કે તે તેણે મારિજુઆના (એક પ્રકારનો ગાંજા)નું સેવન કર્યુ હોય. રિયાની ધરપકડ પછી બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, ‘રિયા ચક્રવર્તી એક્સપોઝ થઈ ગઈ છે. તેનું ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન હતું. હવે આ વાત સામે આવી છે અને આ કારણે જ તેની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ જરૂરિયાત માટે રિયા વિરૂદ્ધ પુરાવા એકઠા કર્યા છે.’
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ ચેટ મામલે રિયા ચક્રવર્તીની મંગળવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી હતી. સોમવારે પણ રિયા ચક્રવર્તીની લાંબી પૂછપરછ થઈ હતી. રિયા ચક્રવર્તીને સોમવારે પણ સતત ૮ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ લાંબી પૂછપરછમાં પણ રિયા પોતાની વાત પર જ મક્કમ હતી કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યા પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. મેરેથોન પૂછપરછ પછી હવે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીની ટીમે રિયાનો અરેસ્ટ મેમો તૈયાર કર્યો હતો. જેવો અરેસ્ટ મેમો તૈયાર થઈ ગયો કે પછી તેની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી છે. એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ રિયાની ધરપકડને કન્ફર્મ કરી છે.
આ પહેલા એનસીબીની ટીમે રિયા ચક્રવર્તીની અટકાયત કરી હતી. પહેલા ડોક્યુમેન્ટ્‌સની કાર્યવાહી ચાલી રહી હતી. જે પૂરી થઈ ગયા પછી હવે રિયાની ધરપકડ કરવામાં આવી છે અને રિયાનો મેડિકલ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.