(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૦
રિલાયન્સ અને ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવાને બહાને ૨૩ નોકરી ઈચ્છુકો પાસેથી કુલ રૂપિયા ૭.૮૯ લાખ પડાવી લીધા બાદ છેતરપિંડી કરનાર મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં આવેલી હિન્દુસ્તાન કોન્ટ્રાકટર એજન્સીના સંચાલક શ્રવણકુમાર બંસલ અને પ્રિયંકા સાહુની પોલીસે ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં હિન્દુસ્તાન કોન્ટ્રાકટર નામની એજન્સીની ઓફિસ આવેલી હતી. આ ઓફિસના સંચાલક શ્રવણકુમાર ઉર્ફે શ્રવણ બંસલ રામદાક બંસલ (ઉ.વ.૪૯, રહે, વેસુ ડ્રીમ હાઉસ )એ ઓફિસમાં આયશા ખાતુન નામની યુવતીને બેસાડી હતી. જો કે, આયશાનું સાચુ નામ પ્રિયંકા સન્યાસી બ્રીપા સાહુ (ઉ.વ.૨૫.રહે, આશારામનગર ભેસ્તાન) છે. શ્રવણકુમાર બંસલ પોતે ઉધના સીલીકોન શોપર્સમાં પરફેક્ટ નોકરી ડોટકોમના નામે ઓફિસ ધરાવે છે. અને તેઓએ પેપરમાં રિલાયન્સ અને ઓઍનજીસીમાં નોકરી અપાવાની જાહેરાત આપી હતી. અને જાહેરાતમાં મજુરાગેટની ઓફિસનું સરનામુ આપ્યું હતું. આ જાહેરાત જાઈને અનેક નોકરી ઈચ્છુકોએ ઓફિસમાં જઈને પ્રિયંકાનો સંપર્ક કર્યો હતો. પ્રિયંકાએ નોકરી ઈચ્છુકો પાસે ફોર્મના રૂપિયા ૫૦૦ લીધા હતા અને તેમની પાસે નોકરીની પોસ્ટ પ્રમાણે ૪૦ ટકા રકમ લીધી હતી. પ્રિયંકાએ તમામને નોકરીનો લેટર લેવા માટે ૪થી ઓગસ્ટના રોજ ઓફિસે બોલાવ્યા હતા. જેથી સંદીપ ઉદાણી (રહે, ડિંડોલી નંદનવન ટાઉનશીપ) સહિત ૨૩ જેટલા નોકરી ઈચ્છુકો લેટર લેવા માટે ઓફિસે ગયા હતા પરંતું ત્યાં જઈને જોયું તો ઓફિસને તાળા લાગેલા હોવાનું બહાર આવ્યું હતું. તમામને ખ્યાલ આવી ગયો તે તેમની સાથે નોકરીના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ઠગબાજ શ્રમણબંસલ અને પ્રિયંકા સાહુએ સંદીપ પાસેથી રૂપિયા ૪૦,૫૦૦ જયારે બાકીના યુવકો પાસેથી રૂપિયા ૭,૪૮,૫૦૦ મળી કુલ રૂપિયા ૭,૮૯,૦૦૦ની ચીટીંગ થઈ હતી. બનાવ અંગે પોલીસે સંદીપની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે બંને જણાની ધરપકડ કરી હતી.