અમદાવાદ, તા.ર૧
કેરળના પૂરગ્રસ્ત લોકો માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બચાવ, રાહત અને પુનર્વસનનો સૌથી મોટો કાર્યક્રમ ઉપાડી લેવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા એમ.અંબાણીએ આ અંગે જણાવ્યું કે કેરળના આપણા ભાઈ-ભાંડુઓની આ આફતની ઘડીમાં એક નાગરિક તરીકે અને સંસ્થા તરીકે આપણા સૌની ફરજ છે કે, રાજ્યમાં બચાવ, રાહત અને પુનર્વસનના લાંબાગાળાના પ્રયાસોને આપણે સૌ ટેકો કરીએ. તેમણે કહ્યું કે, રિલાયન્સ ફાઉન્ડેશન કેરળના મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂા.ર૧ કરોડનો ફાળો આપશે અને રાજ્યમાં પૂર્વવત સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી રાહત પુનર્વસનની કામગીરી ચાલુ રાખશે. રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સહિત તેની ગ્રુપ કંપનીઓએ કેરળમાં ૧૪ ઓગસ્ટ ર૦૧૮થી મોટા રાહત કાર્યો શરૂ કરી દીધા છે. અર્નાકુલમ, વેયાનદ, અલપ્યુઝુહા, ત્રિચુર, ઈડુક્કી અને પાઠાનમથિટ્ટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે જેમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.