આંકડાઓ દર્શાવે છે કે અર્થતંત્રની હાલત હજુ પણ શિથિલ અને ડામાડોળ છે

(એજન્સી) તા.૬
ભારતમાં બેરોજગારી સતત વધતી જાય છે. ડિસે.ના આંકડા અનુસાર ભારતમાં બેરોજગારી છ મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ પરથી એવો નિર્દેશ મળે છે કે લગભગ તમામ સેક્ટર ખૂલી ગયાં હોવા છતાં અર્થતંત્ર લેબર માર્કેટને સમાવવા હજુ તૈયાર નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના એક રિપોર્ટ અનુસાર ડિસે.માં બેરોજગારીનો દર છ મહિનાના રેકોર્ડ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સીએમઇઇના આંકડા અનુસાર નવે.માં બોરોજગારીનો દર ૬.૫૧ ટકા હતો તે વધીને ડિસે.માં ૯.૦૬ ટકા થઇ ગયો છે જ્યારે ગ્રામીણ બેરોજગારી દર નવે.માં ૬.૨૬ ટકા હતો તે વધીને ૯.૧૫ ટકા થઇ ગયો છે. જુલાઇથી રાષ્ટ્રીય અને ગ્રામીણ બેરોજગારીનો દર સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો છે. જૂનમાં જ્યારે મહામારીએ માઝા મૂકી હતી અને અનેક સેક્ટર લોકડાઉન હેઠળ હતાં ત્યારે રાષ્ટ્રીય સ્તરે માસિક બેરોજગારીનો દર ૧૦.૧૮ ટકા અને ગ્રામીણ ભારતમાં ૯.૪૯ ટકા હતો. જુલાઇમાં આ આંકડાઓ અનુ. ૭.૪ ટકા અને ૬.૫૧ ટકા હતાં. બીજી રસપ્રદ વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનાથી ગ્રામીણ અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં બેરોજગારીનો દર ૮.૮૪ ટકા જેટલો ઊંચો હતો ત્યારે ડિસે.માં બંને કરતાં ઓછો નોંધાયો છે પરંતુ નવે. કરતાં તે હજુ પણ વધુ છે અને છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. સરકારી આંકડા અનુસાર મનરેગાએ નવે.માં ૨૩૬ મિલિયન વ્યક્તિ અને કામના દિવસો સર્જ્યા હતાં જે આંકડો ડિસે.માં ૧૮૮.૦૭ મિલિયન હતો જે બતાવે છે કે ૪૮ મિલિયનનો ઘટાડો નોંધાયો છે. આમ રીવાઇવલના નિર્દેશો હોવા છતાં ડિસે.માં રાષ્ટ્રીય બેરોજગારીનો દર છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. આંકડાઓ એવો નિર્દેશ આપે છે કે અર્થતંત્ર હજુ શિથિલ છે. ભારતમાં જોબ માર્કેટની સ્થિતિ પણ ડામાડોળ છે. માંગ ઓછી છે અને અર્થતંત્ર હજુ સંપૂર્ણપણે સજીવન થયું નથી.