અમદાવાદ, તા.૭
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે કોર્પોરેશને હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટ રિસરફ્રેસિંગની કામગીરી પછી તેની પાસેની જગ્યા ઘણી નીચી જતા ઘણા અકસ્માતો થતાં હોવાની ટકોર કરી હતી. હાઈકોર્ટની ટકોર એવી હતી કે, રિસરફ્રેસિંગ કર્યા પછીના રસ્તાઓની ઊંચાઈ વધે છે અને રિસરફ્રેસિંગ કર્યા વગરના રસ્તાઓ ઘણા નીચા રહી જાય છે. જેથી ટુ-વ્હીલર ચલાવનારાઓને અકસ્માત નડે છે. અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ મામલે થયેલી પીઆઈએલની સુનાવણી મામલે કોર્પોરેશને હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં હાઈકોર્ટે કોર્પોરેશનને ટકોર કરી હતી કે, રિસરફ્રેસિંગ બાદના રસ્તાઓની ઊંચાઈ વધી જાય છે અને રિસરફ્રેસિંગ ન કરાયેલા રસ્તાઓની ઊંચાઈ ઘણી નીચી રહેવાના કારણે ટુ-વ્હીલરોનો માર્ગ અકસ્માતમાં ઘણો વધારો થયો છે. આ મામલે હાઈકોર્ટે પ્રહલાદનગરથી ૧૦૦ ફૂટ રોડ અને માણેકચોક રોડ અને નવરંગપુરાથી મીઠાખળી રસ્તાઓનો દાખલો પણ આપ્યો હતો. ખરાબ રસ્તાઓ મામલે કોર્પોરેશને કહ્યું કે, બિસ્માર રસ્તાઓ મુદ્દે થર્ડ પાર્ટી પાસે તપાસ કરાવવા માટે મહાપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે તથા બીજી તરફ અરજદારે એવી રજૂઆત કરી હતી કે, રસ્તાઓના ધારાધોરણ અને ગુણવત્તાની ચકાસણી અંગે કોણ નિર્ણય કરશે તે હજુ સ્પષ્ટ નથી. બિસ્માર રસ્તાઓ મામલે વધુ સુનાવણી આગામી ૨૩ ફેબ્રુઆરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં થોડો વરસાદ પડવાથી શહેરના રસ્તાઓમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા તથા ભૂવાઓ પડવાની અને રોડ તૂટી જવાની ઠેર-ઠેરથી ફરિયાદો ઉઠી હતી ત્યારે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસ આવતા હોવાથી તાત્કાલિક વડાપ્રધાનના માર્ગ પરના રોડ રિસરફ્રેસ કરાયા હતા અને શહેરના અનેક વિસ્તારોના રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા. ત્યારબાદ હાઈકોર્ટની ટકોર બાદ રોડ રિસરફ્રેસ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.