(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
શહેરના રિંગરોડ ખાતે આવેલી એનટીએમ માર્કેટના વેલ્વેટના વેપારીઓએ રૂા.૫૫.૪૦ લાખની કિંમતનું વેલ્વેટનું કાપડ ઉધારમાં લઈ તેના નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેસુ શિંગાર રેસિડેન્સીમાં રહેતા હિમાંશુ અશોકકુમાર બંસલ હાલ વેલ્વેટ કાપડના વેપારી છે. તેઓ પાસેથી ગત તા.૨૮મી એપ્રિલ ૨૦૧૬થી ૨૬મી ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન રિંગરોડની એનટીએમ માર્કેટમાં મોનિયા ફેશન તથા મેઘા પ્રિન્ટસના નામે વેપાર કરતા દિનેશ ગોંડલિયા, શિવાભાઈ પડસાલા, પ્રદીપભાઈ ગોંડલિયા અને લલીતભાઈએ ઉધારમાં રૂા.૫૫,૪૦,૧૫૮ની કિંમતનું વેલ્વેટ કાપડ ઉધારમાં ખરીદી કર્યું હતું. પરંતુ ચારેય ઠગ શખ્સોએ ઉધારમાં ખરીદેલ નાણાંની ચુકવણી કરી ન હતી. વેપારી હિમાંશુ બંસલે રૂપિયાની ઉઘરાણી કરતા ચારેય ઠગ શખ્સોએ ખૂબ જ ઉડાઉ જવાબો આપી રૂા.૫૫.૪૦ લાખની ચુકવણી કરી ન હતી. જેથી વેપારી હિમાંશુએ આ અંગે સલાબતપુરા પોલીસને જાણ કરી. જેથી સબ ઈન્સ્પેક્ટર સી.એફ. ઠાકોરે મંગળવારે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.