(એજન્સી) તા.૮
આખરે સુશાંતસિંહની હત્યા હતી કે આત્મહત્યા હતી એવી છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલેલી અફવાઓ અને તર્ક વિતર્કો પર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝે પૂર્ણવિરામ મૂકતાં જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતનું આત્મહત્યાથી મૃત્યુ થયું હતું. એમ્સ દ્વારા હત્યાની તમામ વાતોને નકારી કાઢવામાં આવી છે. તો પછી છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ભારતીય જનજીવનમાં આટલી બધી અફવાઓ કઇ રીતે હાવી રહી ?
આ સંદર્ભમાં પ્રારંભિક અહેવાલો તો એવા જ હતા કે સુશાંતસિંહે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે પરંતુ થોડા જ સમયમાં જોરશોરથી એવી વાતો વહેતી થઇ કે સુશાંતસિંહની વાસ્તવમાં હત્યા કરવામાં આવી છે. અભ્યાસ દ્વારા એવું બહાર આવ્યું છે કે ભાજપે તેમાં વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. ડેટા અનુસાર કોંગ્રેસની તુલનાએ ભાજપે હત્યાની વાત પર વધુ પસંદગી ઢાળી હતી.
યુનિવર્સિટી ઓફ મિશીગન ખાતેના એસોસિએટ પ્રોફેસર અને માઇક્રોસોફ્ટ રીસર્ચ ઇન્ડિયા ખાતેના પ્રિન્સિપાલ રીસર્ચર જોયોજિતપાલના વડપણ હેઠળ ૧૪, જૂનથી ૧૨, સપ્ટે. વચ્ચે સુશાંતસિંહ રાજપૂત પર સોશિયલ મીડિયાના કન્ટેન્ટનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આ અભ્યાસના ડેટામાં એક વિશિષ્ટ રાજકીય વલણ જોવા મળ્યું હતું જેમાં ભાજપે શિવસેના શાસિત મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પર પ્રહારો કરવા તેનો ઉપયોગ કર્યો હતો.
ડેટા એવો નિર્દેશ આપે છે કે ભાજપે હત્યાની થિયરીને આગળ ધપાવી હતી કારણ કે જુલાઇથી મોટા ભાગના સપ્તાહમાં ભાજપે આત્મહત્યા કરતાં હત્યા શબ્દનો વધુ પ્રયોગ કર્યો હતો. તેનું કારણ એ છે કે સુશાંતસિંહની હત્યાની સાઝીશની થિયરીનો શિવસેના-કોંગ્રેસ ગઠબંધનની મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાઝીશની થિયરી સાથે મુંબઇ પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવ્યાં હતાં. મુંબઇ પોલીસ પર પ્રહારોની સાથે સાથે સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ માટે શિવસેના તેમજ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પ્રધાન આદિત્ય ઠાકરેને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. રિયા ચક્રવર્તીની કોઇ ખોટી ભૂમિકાનો પુરાવો નહીં મળતાં આખરે ડ્રગ કનેક્શનમાં એનસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અભ્યાસ દ્વારા એક બીજી વાત એ પણ બહાર આવી છે કે ચાર મુખ્ય અંગ્રેજી ભાષાની સમાચાર ચેનલો-રીપબ્લિક ટાઇમ્સ નાઉ, સીએનએન ન્યૂઝ ૧૮ અને ઇન્ડિયા ટુડેએ સુશાંતસિંહ રાજપૂત અંગે અસંખ્ય ટ્‌વીટ કર્યા હતા.
(સૌ.ઃ સ્ક્રોલ.ઈન)