(એજન્સી) નવી દિલ્હી,તા. ૧૯
કોરોનાની અસર શેરબજારની સાથે સાથે રૂપિયા પર પણ પડી છે. રૂપિયામાં ગુરૂવારે ભારે નબળાઈ જોવા મળી હતી અને પહેલી વખત ડોલરની સામે રૂપિયો ૭૫ની સપાટી પર પહોંચી ગયો હતો. કોરોના વાયરસની અર્થતંત્ર પર પડનારી સંભવિત અસરના કારણે શેરબજારમાં રોકાણકારોની વેચવાલીની અસર રૂપિયા પર પણ જોવા મળી હતી. શુક્રવારે સેન્સેક્સ ૨૦૧૪ના સ્તર નજીક પહોંચી જતા અને રૂપિયા ઇતિહાસમાં પહેલી વાર ડોલર સામે ૭૫ રૂપિયાની સપાટી વટાવી જતા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા ટિ્‌વટ અને કટાક્ષની ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ અપાવવામાં આવી હતી. બુધવારે ૭૪.૨૩ના સ્તરે બંધ થયેલો રૂપિયો ગુરૂવારે પ્રતિ ડોલર ૭૪.૯૬ના સ્તરે ખુલ્યો હતો અને ૭૫.૧૧ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયો ગગડતા પીએમ મોદીના જૂના નિવેદનોની યાદ તાજા કરી દીધી છે. કેટલાક જાણકારોનુ માનવું છે કે, રૂપિયામાં હજી પણ ધોવાણ થઈ શકે છે. કારણકે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઓગસ્ટ ૨૦૧૩માં તે વખતના મુખ્ય પ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુપીએ સરકારને અર્થતંત્ર અને ડોલર સામે ગગડી રહેલા રૂપિયા વિશે જરાય ચિંતા નહીં હોવાને કારણે આજે દેશ હતાશ થયો છે. તેમણે તે વખતે એવું પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર બજારમાં ભારત ઉભું રહી શકશે નહીં. વસ્તુઓની આયાત અને નિકાસ કરતા આપણા વેપારીઓ આ ટકાવી રાખી શકશે નહીં.
તે વખતે નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું હતું કે દિલ્હી સરકાર જવાબ આપી રહી નથી. વડાપ્રધાનજી દેશ જાણવા માગે છે કે કયા કારણે માત્ર ભારતનો રૂપિયો અમેરિકી ડોલર સામે ગગડી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ તે વખતે એમ પણ કહ્યું હતું કે મેં હંમેશ માગણી કરી છે અને કહ્યું છે કે આર્થિક પરિબળોને કારણે આ થઇ રહ્યું નથી પરંતુ દિલ્હીથી શરૂ થયેલા ભ્રષ્ટ રાજકારણને કારણે આ થયું છે.
– મોદીએ એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને રૂપિયા વચ્ચે સ્પર્ધા છે કોણ વધુ નીચે પડશે ?
– મોદીએ એવું પણ કહ્યું હતું કે રૂપિયો ધીમે-ધીમે પીએમ (ડો.મનમોહનસિંહ)ની વયની નજીક પહોંચી રહ્યો છે.
રૂપિયો નબળો પડવાના કારણે ભારત માટે ક્રુડ ઓઈલ મોઘું બની શકે છે. વિદેશ યાત્રાઓ પર જનારાને પણ વધારે પૈસા ચુકવવાનો વારો આવી શકે છે અને બહારથી આવનારી પ્રોડક્ટસ મોંઘી થઈ શકે છે.