અમદાવાદ, તા.૨૭
રાજ્યમાં રૂા.પ૦૦થી વધુની રકમના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર માટે તા.૧ ઓકટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગના ઉપયોગ કરવાનું સરકારે યથાવત્‌ રાખ્યું છે, તો બીજી તરફ પ્રજાના હિતમાં રાજ્યમાં રૂા.પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડિ. સ્ટેમ્પ પેપરનું ફિઝિકલ વેચાણ તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સામાન્ય માનવીઓ, નાગરિકો અને નાના સ્ટેમ્પની મુશ્કેલીઓ નિવારવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂા.પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું ફિઝિકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે, તા.૧ ઓકટોબરથી તા.૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં પ૦૦થી વધુની રકમના નોન જ્યુડિ. સ્ટેમ્પ પેપરનો ફિઝિકલ ઉપયોગ તા.૧ ઓકટોબર, ર૦૧૯થી બંધ કરીને ડિજિટલ સ્ટેમ્પિંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત્‌ રાખવામાં આવ્યું છે.