(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
ઉત્સવો, નાટકો અને દેખાડાના નામે કરોડો, અબજો રૂપિયાનો ધૂમાડો કરતી કેન્દ્ર અને રાજ્યની સરકારે જ્યારથી ટ્રાફિકના નવા નિયમના નામે પ્રજાને લૂંટવાનું શરૂ કર્યું છે. ત્યારથી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો અખબારોના પાને અને સોશિયલ મીડિયામાં ચમકી રહ્યા છે પરંતુ અમદાવાદમાં એક ખૂબ જ ગંભીર કહી શકાય તેવો બનાવ બન્યો છે. ગોમતીપુરના એક રિક્ષાચાલકને ટ્રાફિકના નવા દંડના નામે રૂા.૧૮ હજારનો મેમો આપી રિક્ષા ડિટેઈન કરી લેતાં છેલ્લા કેટલાક સમયથી બેકાર બનેલા રિક્ષાચાલકે ફિનાઈલ પી જઈ આત્મહત્યાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોમતીપુર વોર્ડમાં આવેલ સળયાવાલી ચાલીમાં રહેતા રાજેશ ડાહ્યાભાઈ સોલંકી (ઉ.વ.૪૮) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. તેઓ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. પરિણામે એક પુત્ર હાલ બીએસસીમાં અને બીજા પુત્ર સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે.
ગત તા.૧૪-૭-ર૦૧૯ના રોજ તેઓ રિક્ષા નં.જીજે.૧ સીટી ૧૧પ૮માં મુસાફરો ભરી નવરંગપુરા દાદા સાહેબના પગલાં ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકના જવાનોએ તેમને રોકી, લાયસન્સ, પીયુસી, આરસી બુક, બેજ નથી અને મુસાફરોની સંખ્યા વધારે છે. તેમ કહી રૂા. ૧૮ હજારનો મેમો આપી રિક્ષા ડિટેઈન કરી મીઠાખળી ગોડાઉનમાં જમાં લઈ લીધી હતી. છેલ્લા બે માસથી સતત ભાગદોડ કરી રહેલા રાજેશભાઈથી રિક્ષા છોડાવવા મેમો ભરવા રૂા.૧૮ હજારની વ્યવસ્થા ન થતાં તેઓ સતત તણાવમાં રહેતા હતા. દરમિયાન ગતરોજ માનસિક આઘાતમાં સરી પડેલા રાજેશ સોલંકીએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરતા તેમને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર જણાતા આઈ.સી.યુ.માં ખસેડાયા છે. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ટ્રાફિકના નવા નિયમોને લઈ ભારે દંડ ફટકારતા એક રિક્ષાચાલક કે જે પરિવારનું ગુજરાન ચલાવવા અને બાળકોને ઉચ્ચ અભ્યાસ અપાવવા રાત-દિવસ એક કરી નાણાં કમાતો હતો. તેને એક જ ઝાટકે રૂા.૧૮ હજારનો મેમો ફટકારાતા આઘાતમાં સરી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરવા સુધીનું પગલું ભરવું પડયું તે આ દેશ અને રાજ્યની કમનસીબી જ કહી શકાય.
રિક્ષાચાલકના દંડની રકમ ઓછી કરો તેમજ હોસ્પિટલની સારવાર ફ્રીમાં આપો
ગોમતીપુરના રિક્ષાચાલકે ભારે મેમોના આઘાતમાં આત્મહત્યાની કોશિશ કર્યાની જાણ સ્થાનિક કાઉન્સિલર ઈકબાલ શેખને થતાં તેઓ તેમના સાથીઓ સાથે હોસ્પિટલ દોડી ગયા હતા અને રાજેશ સોલંકીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ ડીસીપી ટ્રાફિકને મળી ગરીબ રિક્ષાચાલકની આપવીતી સંભળાવી દંડની રકમ ઓછી કરવા અથવા કાયદાકીય મદદ કરવા વિનંતી કરી હતી. ઉપરાંત હોસ્પિટલના સત્તાધીશોને મળી દર્દીની સારવાર તદ્દન મફતમાં કરવા રજૂઆત કરી હતી.
Recent Comments