ઘરમાં તપાસ કરતા અનાજ-કરિયાણાનો પુરતો જથ્થો મળ્યો હતો.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
કોરોના સામેની જંગ જીતવા માટે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે લોકડાઉનની સ્થિતિમાં ઘણા ગરીબોને ખાવાના સાંસાં છે. એટલે સરકારી તંત્ર અને સેવાભાવી લોકો દ્વારા જરૂરિયાતમંદો સુધી ફૂડ પેકેટ અને અનાજની કીટો પહોંચાડવામાં આવે છે. આવા સમયે માલેતુજાર અને સુખી સંપન્ન લોકોએ જરૂરિયાતમંદ ગરીબોને સહાય કરી ભૂખ્યાને ભોજન કરાવી અન્નદાનનો લાભ લેવો જોઈએ. તેના બદલે સુખી સંપન્ન લોકોની ખોટી સહાય મેળવવાની માનસિકતાને લીધે ગરીબોના મોંમાંથી કોળીયો છીનવાઈ જાય છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના સેટેલાઈટમાં એક કરોડના ફ્લેટમાં રહેતા એક સુખી પરિવારે કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું કે, ‘મારા ઘરે જમવાનું નથી.’ ત્યારે કીટ આપવા પહોંચેલી ટીમે તપાસ કરી તો ભાંડો ફુટ્યો કે પરિવાર તો સુખી સંપન્ન છે. તેથી ખોટી સહાયની માંગણી કરનારા દંપતિને સિટી ડેપ્યુટી કલેક્ટરે નોટિસ ફટકારી છે. સમગ્ર કિસ્સાની વિગત એવી છે કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દિપક શાહ તથા તેમના પત્ની કિરણબેન શાહે તા- ૧૭/૦૪/૨૦૨૦ના રોજ કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં રજૂઆત કરી ઘરે જમવાનું નથી તેવી લેખિત નોંધ કરાવી હતી. સંવેદનશીલ તંત્રએ તરતજ વેજલપુર સીટી મામલતદાર કચેરીને સત્વરે ફુડ પેકેટ/ભોજન/રાશન કીટ આપવા સુચના આપી હતી. જો કે આ કીટ આપવા પહોંચેલી ટીમે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કિરણ બેન નિવૃત શિક્ષિકા છે, તેમજ તેમનો પુત્ર હાલ ચેન્નાઈ ખાતે સારા પગારની નોકરી કરે છે અને તેઓ જે માલિકિના ફ્લેટમાં રહે છે તેની બઝાર કિંમત આશરે રૂપિયા ૧ કરોડ હોવાનું જણાયું હતું. વધુમાં તેઓને એપીએલ-૧ કાર્ડ ઉપર એક-બે દિવસ પહેલા જ મફત અનાજનો જથ્થો પણ મળ્યો હતો. એટલું જ નહી પરંતુ તેમના રસોડામાં પરિવાર પુરતો અનાજ, કઠોળ, તેલ, મસાલાનો પુરવઠો પણ ઉપલબ્ધ હતો. આ અંગેની વિગતો આપતા પશ્ચિમ વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર જે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. જેમાં શ્રમિક, ગરીબ, પરપ્રાંતિય કુટુંબોને ફુડપેકેટ, રાશનકીટ વિગેરેની સહાય જિલ્લા વહીવટી તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. હાલના આપત્તિના સમયમાં બહાર પડાયેલા જાહેરનામા અંતર્ગત કોઈપણ શખ્સ રાહત, સહાય તેમજ આપત્તિ સંબંધી બીજા લાભો મેળવવા માટે જાણીબુઝીને તે દાવો ખોટો હોવાનું જાણવા છતા તેવો દાવો કરે તો તે The Disaster Management Act-૨૦૦૫ કલમ-૫૨ હેઠળ ૨ (બે) વર્ષની કેદની શિક્ષા અને દંડની શિક્ષાને પાત્ર તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૪૨૦ હેઠળ છેતરપિંડી, ઠગાઈનો સાત વર્ષની કેદ અને દંડની શિક્ષાને પાત્ર ફોજદારી ગુનો બને છે. આ યુગલે ફુડપેકેટ, રાશન, ભોજન મેળવવાની ખોટી રજૂઆત કરેલી હોવાથી તેઓની સામે The Disaster Management Act-૨૦૦૫ કલમ-૫૨ તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૪૨૦ હેઠળનો ગુનો દાખલ કેમ ન કરવો ? તે સંદર્ભે એક દિવસમાં લેખિત સ્પષ્ટતા કરવા નોટિસ અપાઈ છે. આ અંગે કોઈ રજૂઆત ના થયેથી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ દેસાઈએ વધુમાં જણાવ્યું છે.