લુણાવાડા,તા.૧૧
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના શિવડવાળા ઝીંઝવા મુકામે ગુજરાત રાજ્ય નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ધ્વારા કડાણા ડાબા કાંઠા નહેર આધારીત ઉદવહન સિંચાઇ યોજનાથી ખેડૂતોને પાઇપ લાઇન દ્વારા ખેતરોમાં સિંચાઇ માટે પાણી પુરૂ પાડવાની સુવિધા માટે રૂપિયા ૧.૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઉદવહન સિંચાઇ યોજનાનું ખાતમુર્હૂત ઉપ સચિવ પી.એસ.પટેલ તેમજ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી.પટેલ,ના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપસચિવ પી.એસ.પટેલે જણાવ્યું કે, ૧.૪ કરોડના ખર્ચે શિવડવાળા ઝીંઝવા ગામે નવનિર્માણ પામનાર ઉદવહન સિંચાઇ યોજનાથી ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારશ્રીનો સંકલ્પ પુર્ણ થશે જેની સાથે પશુપાલનમાં ક્રાંતિ આવશે.
ભાજપ પ્રમુખ જે.પી.પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો-ગ્રામજનોને સિંચાઇ તથા પીવાના પાણીની સુવિધાઓ પુરી પાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે. જેના પરિણામ સ્વરૂપે આગામી ટૂંકા ગાળામાં નિર્માણ પામનાર કડાણા ડાબા કાંઠા નહેર આધારિત ઉદવહન સિંચાઇ યોજનાથી ૮૫ ખેડૂતોને ૨૬૪.૨૯ એકર જેટલી જમીનમાં સિંચાઇનો લાભ મળશે અને આદિજાતિના ૧૫ લોકોનું જીવન ધોરણ ઉચુ આવશે.
આ પ્રસંગે અધિક્ષક ઇજનેર કડાણા યોજના આર.જે.ધનરગરે કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડી હતી તેમજ પંચમહાલ ડેરીના ડિરેક્ટર અંબાલાલ પટેલે સ્વાગત પ્રવચન જ્યારે આભાર દર્શન ઇફકો કંપનીના મેનેજર સુખાભાઇએ કર્યું હતું.આ પ્રસંગે શિવડવાળા ઝીંઝવા ગામના સરંપચ પ્રતાપભાઇ ધામોત, અગ્રણી શાંતિભાઇ પટેલ, બી.કે.પટેલ, મામલતદાર કડાણા તેમજ આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.