અમદાવાદ, તા.૧૩
શહેરના નારોલ વિસ્તારમાં રૂા.૪ હજારની લેતીદેતીમાં એક યુવકે બે વર્ષની બાળકીનું અપહરણ કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જેને પગલે નારોલ પોલીસે સઘન તપાસ હાથ ધરી બાળકીને અપહરણકારોની ચુંગાલમાંથી સહીસલામત બચાવી લીધી હતી.
વિગતવાર વાત કરીએ તો શહેરના નારોલના શાહવાડી વિસ્તારમાં રહેતા એક યુવકે તેના મિત્રને રૂા.૪ હજાર બીજા મિત્ર પાસેથી અપાવ્યા હતા. આ ઉછીના નાણાંની ઉઘરાણી મામલે યુવકના મિત્રએ જ તેની ર વર્ષની દીકરીને ચોકલેટ આપવાના નામે અપહરણ કરીને લઈ ગયો હતો. જે અંગે ફરિયાદ મળતા કે ડિવિઝનના એસીપી મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ નારોલ પીઆઈ એસ.એ. ગોહિલના માર્ગદર્શન મુજબ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી બાળકીની તપાસ હાથ ધરી છે. ત્યારબાદ અપહરણ કરનારો સફાદ્દીન રાય રખિયાલ ચાર રસ્તા પાસે હોવાની જાણ થતાં પોલીસે તેને પકડીને બાળકીને હેમખેમ બચાવી લીધી હતી. સમગ્ર મામલે નારોલ પોલીસે આરોપી સફાદ્દીન રાયની વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.