(એજન્સી) તા.૧૫
પીએનબી મહાગોટાળાના મામલામાં દેશભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને નીરવ મોદીનું મુંબઈ ખાતેનું મકાન સીલ કરવામાં આવ્યું છે. નીરવ મોદીએ પીએનબીને પત્ર લખીને તમામ નાણાં પાછા આપવાની તૈયારી દર્શાવીને ૬૪૦૦ કરોડ રૂપિયા પાછા આપવા માટે છ માસનો સમય માંગ્યો છે. પંજાબ નેશનલ બેંકની મુંબઈ ખાતેની એક બ્રાંચમાં ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધારેના ફ્રોડ ટ્રાન્ઝેકશનના મામલામાં ગુરુવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં અબજપતિ જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ મામલામાં ઈડીએ દેશભરમાં ઘણા સ્થાને દરોડાની કાર્યવાહી કરી છે. દરોડા બાદ સીબીઆઈએ મુંબઈના હાજી અલી દરગાહ નજીકના વર્લી ખાતે આવેલા નીરવ મોદીના મકાનને પણ સીલ કર્યું છે. નીરવ મોદીએ પીએનબીને પત્ર લખીને કહ્યું છે કે તેઓ તમામ નાણાં પાછા આપવા તૈયાર છે. તેમણે આના માટે છ માસના સમયની માગણી કરી છે. પત્રમાં નીરવ મોદીએ જણાવ્યું છે કે તેઓ ફાયરસ્ટાર ડાયમંડ્‌સ દ્વારા નાણાં પાછા આપશે. તેની કિંમત ૬૪૦૦ કરોડ રૂપિયા છે. ઈડીએ નીરવ મોદી સાથે સંકળાયેલા નવ સ્થાનો પર દરોડા પાડયા છે. જેમાં ચાર સ્થાન મુંબઈ, ત્રણ સુરત અને બે દિલ્હીમાં આવે છે. નીરવ મોદી કોહિનૂર સિટી, કુર્લા મુંબઈ, નીરવ મોદી જ્વેલરી બૂટિક કાલાઘોડા, મુંબઈ, ફાયરસ્ટાર ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડ બાંદ્રા, મુંબઈ, ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ લોઅર પરેલ મુંબઈમાં દરાડોની કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના સચિનમાં ફાયરસ્ટાર ડાયમંડ સુરત સેઝ, સચિન ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ સુરત સેઝ, ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ બેલ્જિયમ ટાવર સુરતમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હીમાં નીરવ મોદી ચાણક્યપુરી, નીરવ મોદી ડિફેન્સ કોલોની ખાતે પણ દરોડાની કાર્યવાહી કરાઈ છે. આ મામલે ૩૧ જાન્યુઆરીએ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ઈડીએ નીરવ મોદીના શોરૂમ અને મકાનમાં પણ દરોડાની કાર્યવાહી કરી છે. નાણાં મંત્રાલયે તમામ બેંકો પાસે શંકાસ્પદ ટ્રાન્ઝેકશન સાથે જોડાયેલી બાબતોનો રિપોર્ટ માંગ્યો છે. તેમણે આ રિપોર્ટને તાત્કાલિક જમા કરાવવા માટે નિર્દેશ પણ આપ્યા છે.