(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૯
આણંદ જિલ્લાનાં ખંભાતમાં રેડઝોન અલિંગ વિસ્તારમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારાને લઇને ૬૪ જેટલા કેસો ખંભાતમાં નોંધાઈ ચુક્યા છે.તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા અલિંગ વિસ્તારને સીલ કરીને પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન પોલીસ દ્વારા હાઈડ્રોજન બલૂન મારફતે સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. આ બલૂનમાં કેમેરા અને લાઈટ લગાવવામાં આવી છે જેથી રાત્રિના સમયે પણ સમગ્ર વિસ્તારમાં નજર રાખી શકાશે. આ અંગે પી.આઈ-ડી.એસ. ગોહિલે જણાવ્યું હતું કે, ખંભાતના પોલીસ દ્વારા હાઈડ્રોજન બલૂન છોડવામાં આવ્યો છે. જેના પર બે કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. ૧૧૦ ફૂટ જેટલી ઊંચાઈએ કેમેરાથી સજ્જ હાઇડ્રોજન બલૂન ગોઠવાયું છે. સાથે જ લાઈડ સ્પીકર અને ફ્‌લેશ લાઈટ પણ ફીટ કરવામાં આવી છે. નાઈટ વિઝન કેમેરાની વિશેષતાઓ એ છે કે, વિસ્તારમાં ચોક્કસ રીતે ઝુમ કરીને જોઈ શકાય છે અને જે પણ વ્યક્તિ લોકડાઉનનું પાલન નહીં કરે તેના પર સીધી નજર રાખી શકાશે.