(એજન્સી) તા.૨૫
ઉ.પ્ર.ના ઉન્નાઉ જિલ્લામાં કાનપુર સ્થિત એક અખબારના પત્રકારની ૧૯, જૂને હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે આ પત્રકારની હત્યા પાછળ આ પ્રદેશમાં સક્રિય રેત માફિયા અને જમીન માફિયાનો હાથ છે. આ પત્રકાર કાનપુરથી પ્રસિદ્ધ થતાં અખબાર કમ્પુ મેઇલમાં ફરજ બજાવતાં હતાં.
અહેવાલ અનુસાર ૨૫ વર્ષના પત્રકાર શુભમ મણિ ત્રિપાઠી પોતાના મિત્ર સાથે મોટરસાયકલ પર ઘરે પરત આવી રહ્યાં હતાં ત્યારે ઉન્નાઉના ગંગાઘાટ વિસ્તારમાં અજાણ્યા લોકોએ તેને ગોળી મારતાં તાત્કાલિક કાનપુરની એક હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં જ્યાં તેમનું મૃત્યું થયું હતું. પત્રકાર ત્રિપાઠીએ ગત ૧૪, જૂને પોતાના ફેસબુક પ્રોફાઇલ પર લખ્યું હતું કે તેના એક રિપોર્ટને કારણે જાણીતા જમીન માફિયાના ગેરકાયદે બાંધકામને તોડી પાડીને જમીનદોસ્ત કરાયું છે.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી આ જમીન માફિયા રોષે ભરાયાં છે અને તેમણે તેના વિરુદ્ધ કલેક્ટર સમક્ષ ખોટી અરજી કરી છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ અખબારી યાદી અનુસાર આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે જણની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. ધરપકડ કરાયેલ એક આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે એક સ્થાનિક રીઅલ એસ્ટેટ બિઝનેસમેન દિવ્ય અવસ્થીએ ત્રિપાઠીના રિપોર્ટ અને ફેસબુક પોસ્ટના જવાબમાં તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.
કમ્પુ મેઇલના બ્યુરો ચીફ રિતેષ શુક્લાએ જણાવ્યું હતું કે તાજેતરમાં શુભમને જમીન હડપ કરનારાઓ સાથે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ તેમણે પોતાની હત્યાની દહેશત વ્યક્ત કરી હતી. ત્રિપાઠીના કાકા ધીરેન્દ્ર મણિ ત્રિપાઠીએ પણ હત્યાના કાવતરાખોર તરીકે દિવ્ય અવસ્થીનું નામ લીધું છે. ઉ.પ્ર.ના કાનપુરથી પ્રસિદ્ધ થતાં એક અખબારના પત્રકાર શુભમ મણિ ત્રિપાઠીએ પોતાની હત્યા પૂર્વે અધિકારીઓને પત્ર લખીને વિસ્તારના રેત માફિયા અને જમીન માફિયા તરફથી પોતાની જાનને ખતરો હોવાની દહેશત વ્યક્ત કરી હતી.