(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૮
ભારતીય રેલવેના ૧૬૬ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર અદ્યતન ટેકનોલોજીયુક્ત ખાનગી ટ્રેન દોડતી થશે. વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ ખાનગી ટ્રેન ‘તેજસ’ આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં અમદાવાદ-મુંબઈ તથા દિલ્હી લખનૌ એમ બે રૂટ ઉપર દોડતી કરવાનું આયોજન છે. રેલવેના ઈતિહાસમાં ક્રાંતિકારી પહેલરૂપ આ ખાનગી ટ્રેનને સત્તાવાર રીતે લીલીઝંડી મળી ચૂકી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મુસાફરો માટે અન્ય સારી સગવડોની સાથે રૂા.રપ લાખનો વીમો આપતી આ ટ્રેનમાં આરએસી અને વીઆઈપી ક્વોટા રાખવામાં આવેલ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી અદ્યતન ખાનગી ટ્રેન તેજસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આ ટ્રેન આઈઆરસીટીસીને ભાડે આપી છે. ભારતીય રેલવે દ્વારા ૧૦૦ દિવસનાં એક્શન પ્લાન હેઠળ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) બે તેજસ એક્સપ્રેસ ટ્રેન ભારતમાં દોડાવશે. આ ખાનગી ટ્રેનની ખાસિયત છે કે, તેજસ ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં. આ ટ્રેનમાં માત્ર જનરલ ક્વોટા જ હશે તેમજ તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ૨૫ લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. અને સૌથી મોટી અને ખાસ વાત એ કે, આઈઆરસીટીસીની મદદથી દોડનારી દેશની પ્રથમ ખાનગી ટ્રેનમાં વીઆઈપી ક્વોટાની જોગવાઈ નહીં હોય. તેજસ પહેલી ટ્રેન હશે જેમાં આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ આપવામાં નહીં આવે. દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી દોડનારી અદ્યતન ખાનગી ટ્રેન તેજસને લીલી ઝંડી મળી ચૂકી છે. આ બંને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે ૩ વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તથા ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજ રીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં. તેજસ ટ્રેનમાં મુસાફરોને તપાસવા માટે સ્ટેશન પર ચેક ઈન કાઉન્ટર્સ બનાવવામાં આવશે. એક્ઝિક્યૂટિવ ક્લાસ પેસેન્જર્સને સ્ટેશન પર નજીવી ફીમાં લોન્જ ફેસેલિટી પણ મળશે. મુસાફરો અને તેમના સમાનને તેડી-મૂકી જવાની વધારાની સુવિધા આપવામાં આવશે. એરપોર્ટ પર હોય તેવી જ લોન્જ ફેસેલિટી તેજસ ટ્રેનનાં રેલવે સ્ટેશન પર મળશે. મીટિંગ કરી શકાય તેવી સુવિધાઓ પણ મળશે. તેજસ ટ્રેનની એક વિશિષ્ટ વાત એ પણ છે કે, જો ટ્રેન એક કલાકથી વધુ મોડી થાય તો મુસાફરોને મુસાફરી ભાડાનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. ખાનગી ટ્રેનની આ પ્રકારની સુવિધાઓ, નિયમોથી ભારતીય રેલવેની કાયાપલટ જ થઈ જશે.
ખાનગી ટ્રેન તેજસનું લઘુત્તમ ભાડું આ જ રૂટ પર ચાલતી અન્ય એક્સપ્રેસ ટ્રેન જેટલું જ હશે. એટલે આ ખાનગી ટ્રેનમાં આમ આદમી પણ મુસાફરી કશે શકશે. આવક વધારવા માટે ટ્રેનમાં અંદર અને બહાર જાહેરાતો લગાવવામાં આવશે. ટ્રેનના દરેક કોચમાં બે શૌચાલયો હશે. આઈઆરસીટીસી દ્વારા પાછળ થોડી ખાલી જગ્યા અને વધુ સારા ફૂડ સર્વિસ મેનેજમેન્ટ માટે નવી પેન્ટ્રી કારની યોજના છે. તેજસ એક્સપ્રેસનાં ડ્રાઈવર, ગાડ્‌ર્સ અને આરપીએફના કર્મચારીઓ ભારતીય રેલવે દ્વારા પૂરા પાડવામાં આવશે. ટિકિટિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ તેમજ ટ્રેનનો કેટરિંગ સ્ટાફ આઈઆરસીટીસીના હેઠળમાં આવશે. ગુજરાતથી મહારાષ્ટ્ર જનારી તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં ૬ દિવસ સુધી દોડશે. તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચેની મુસાફરી ૬ઃ૩૦થી ૭ કલાકમાં પૂર્ણ કરી આપશે. હાલ તેજસ ટ્રેન અમદાવાદ આવી પહોંચી છે. જે મોટાભાગે દિવાળી બાદ શરૂ થાય તેમ જણાય છે.

૨૦૦ કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપે દોડશે તેજસ એક્સ.

• આખી ટ્રેન સાઉન્ડ પ્રુફ, ટ્રેનનાં ગેટ ઓટોમેટિક, • વાઈફાઈસ સીટની પાછળ ટચ સ્ક્રીન એલઈડી, સ્મોક ડિટેકટર સીસીટીવી • વિઝન વિન્ડો કદમાં મોટો હશે, જેનાથી બહારનું દૃશ્ય સરસ જોઈ શકાશે, • તડકાના રક્ષણ માટે પડદા પાવરથી ચાલશે • ટ્રેનમાં બાયો વેક્યુમ ટોયલેટ, હેન્ડ ડ્રાયરની સુવિધા • એક્ઝયુકેટિવ ક્લાસમાં વધુ આરામ કરવા માટે સીટની પાછળ માથુ મૂકવા માટે હેડરેસ્ટ, પગ માટે ફુટરેસ્ટ જેથી યાત્રી સૂતા સૂતા જઈ શકે છે. ઉંઘવા માટે અત્યંત સુવિધાજનક સીટ તૈયાર કરવામાં આવી છે.• સ્ટેશનો માટે સૂચના માઈક ઉપરાંત અલઈડી સ્ક્રીન પર જોવા મળશે • સીટ અને કોચના છતનું નિર્માણમાં નારંગી અને પીળા રંગનો ઉપયોગ કરાયો છે