(એજન્સી) તા.૨૭
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રવાસી મજૂર સ્પેશિયલ ટ્રેનોના મુદ્દે રેલ મંત્રાલય પર પોતાની મરજી અને શરતો ચલાવવાનો આરોપ લગાવ્યો છે. શ્રમિક ટ્રેનો દ્વારા પ્રવાસી મજૂરોની આવાગમન પર સવાલ ઉભો કરતા મમતા બેનરજીએ કોરોના સંક્રમણના ફેલાવાનો ભય વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને આડે હાથ લેવાના પ્રયત્ન કર્યા હતા.
મમતા બેનરજીના કહેવા મુજબ રાજ્ય બે લાખ પ્રવાસી મજૂરોના ટેસ્ટ કેવી રીતે કરશે, આ મુદ્દે કેન્દ્ર સરકાર તેમની કેવી રીતે મદદ કરશે. ટ્રેનોમાં યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન ન થવા સામે સવાલ કર્યા હતા. બંગાળ સીએમએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર રેલવેની મદદથી મહારાષ્ટ્ર ખાલી કરી રહી છે અને બંગાળમં કોરોના સંક્રમણ ફેલાવી રહી છે. તેમણે જણાવ્યુ કે કન્ટેનમેન્ટ ઝોન યથાવત રાખવા જોઇએ. મમતાએ કહ્યુ કે, સમગ્ર બંગાળમાં પ્રવાસી મજૂરોની ૧૧ ટ્રેનો રાત-દિવસ અલગ-અલગ સ્થળો પર આવી રહી છે. ૧૭ ટ્રેનો આવવાની બાકી છે. આ મુદ્દે મમતાએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે તમામ ટ્રેનોને સમય નક્કી કરી રણનીતિ બનાવી હતી, પરંતુ રેલવે દ્વારા સહયોગ નથી મળ્યો. તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દખલ કરવા માટે અપીલ કરી હતી.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, રેલવે મંત્રાલય કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના પ્રવાસી મજૂરોથી ભરેલી ટ્રેનો મોકલી રહી છે. તેના કારણે કોરોના વાઈરસ વિરુદ્ધ લડવામાં રાજ્યોની તકલીફ વધી રહી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને ખાલી કરવામાં આવી રહ્યું છે અને કોરોના બંગાળમાં ફેલાવાઈ રહ્યું છે. બંને રાજ્યો સાથે રાજનીતિ કરવામાં આવી રહી છે. તેમણે વડાપ્રધાન મોદીને પણ આ મામલે દખલ કરવા અપીલ કરી હતી.