અમદાવાદ, તા.૩
રેલવે ઓફિસમાં કામ કરતા સુપ્રિટેન્ડેન્ટને મહિલા કર્મચારીની જાતિય સતામણી કરવી ભારે પડી છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે, ગુરૂવારે મોડી સાંજે ફરિયાદી મહિલા તેના પિતરાઈ ભાઈ સાથે ગાડીમાં ગેસ પુરાવવા માટે નીકળી હતી. આ દરમિયાન રેલવે સુપ્રિટેન્ડેન્ટે તેને ગંદા ઈશારા કર્યાં હતા.
મહિલા બહાર નીકળી હતી ત્યારે તેને માથું દુઃખતું હોવાથી તેઓ વિસત ગાંધીનગર હાઇ વે પર આવેલા સંગાથ મોલમાં કોફી પીવા માટે ગયા હતા. આ દરમિયાન અસારવા રેલવે ડી આર એમ ઓફિસમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી કરતો હનીફ ખાન પઠાણ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પઠાણ મહિલાની કારની આસપાસ આંટા મારતો હતો. એટલું જ નહીં મહિલાની કારની પાસે તેની કાર પાર્ક કરીને મહિલાને ગંદા ઈશારા કરવા લાગ્યો હતો. આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે, વર્ષ ૨૦૧૫માં ઓફિસની ફાઇલની આપ-લેમાં તેઓ પરિચયમાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપી લેન્ડલાઈન ઉપર ફોન અન્ય કોઈ રીતે તેને પરેશાન કરતો રહેતો હતો. એટલું જ નહીં સપ્ટેમ્બર ૨૦૧૯માં આરોપી મહિલાનો પીછો કરતાં કરતાં તેના ઘર સુધી પહોંચી ગયો હતો. આ સમયે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ કરી હતી.