(એજન્સી)
તા.૨૮
બિહારના મુજફ્ફરપુરમાં રેલવે સ્ટેશને મૃત મહિલા અને તેની આજુબાજુ ઊભેલા રહેમત નામના બાળક જે તેની માતાને ઊઠાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેનો હૃદય હચમચાવી મૂકે તેવો વીડિયો વાયરલ થયો છે. હવે આ ઘટના પર પટણા હાઈકોર્ટે જાતે ધ્યાન આપ્યું હતું. સુઓમોટો અરજીમાં હાઈકોર્ટે આ મામલે ધ્યાન આપતાં બિહાર સરકારને સવાલ કર્યો હતો કે આખરે આ ઘટના બની કઈ રીતે ? તેનો જવાબ આપો. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એસ.કુમારે આ મામલે નોંધ લીધી હતી. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પટણા એડિશનમાં ૨૮ મેના રોજ છપાયેલા સમાચારને ધ્યાનમાં લીધા હતા જેમાં વીડિયો વાયરલનો ઉલ્લેખ હતો. પટણા હાઈકોર્ટે કહ્યું હતું કે, જે વીડિયો કન્ટેન્ટ દેખાઈ રહ્યો છે અને તે સાચો છે તો તેના પર વિશ્વાસ ન કરવાની વાત જ નથી. અખબાર સમગ્ર દેશમાં વિશ્વસનીય સમાચારો પ્રકાશિત કરે છે, તેણે આ અહેવાલ પ્રકાશિત કર્યા હતા અને આ ખરેખર દુઃખદ તથા દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ભારતના બંધારણની કલમ ૨૨૬ હેઠળ અમારી આ ફરજ બને છે કે, આવા મામલે અમે જાતે ધ્યાન આપીએ અને સુઓમોટો મારફતે અમે નોટિસ બહાર પાડીએ. હાઈકોર્ટે એવા સવાલો પણ કર્યા કે શું મૃત માતાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો ? જો હાં તો મૃત્યુનું કારણ શું હતું ? શું ખરેખર મહિલા ભૂખને કારણે મૃત્યુ પામી ? શું તે બાળક સાથે એકલી મુસાફરી કરી રહી હતી ? જો ના તો તેની સાથે કોણ-કોણ હતા ? કાયદાનું અમલ કરતી એજન્સીઓ દ્વારા કયા પગલાં ભરવામાં આવ્યાં ? પરિવારજનોએ ઘટના વિશે શું માહિતી આપી ? બાળકની દેખરેખ હવે કોણ કરી રહ્યું છે ?