(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
શહેરના પુણા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ડુપ્લીકેટ સોફટવેર આધારે સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રે વધુ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ પરવાનેદાર કાંતિ પરમાર સહિત ૧૧ લોકોની ધરપકડ કરી ચૂકી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસના જણાવ્યા અનુસાર અગાઉ પુણા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર કાંતિભાઈ નાથાભાઈ પરમાર દ્વારા ડુપ્લીકેટ સોફ્‌ટવેર આધારે આચરાયેલુ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં ગઈકાલે ક્રાઈમ બ્રાંચ પોલીસે વધુ બે આરોપી જાવીદ ગુલામભાઈ પટેલ (ઉ.વ.૩૩) રહે.૧૦૧, શુભાન પાર્ક એપાર્ટમેન્ટ, ચિંતામણી દેરાસર પાસે, શાહપોર મૂળ રહે.ખાનપુર ગામ, તા.જંબુસર, જિ.ભરૂચ તથા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ રણજીતલાલ મેવાવાળા રહે. ૭૬, જય અંબે સોસાયટી, મક્કાઈપુલના નાકે, શક્તિ નિકેતન મંદિરની ગલીમાં અડાજણને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડમાં પકડાયેલા આરોપી જાવીદ પટેલે પરવાનેદાર કાંતિભાઈ નાથાભાઈ પટેલને સન ૨૦૧૬થી દર છ-છ માસ ૨૦ હજાર રૂપિયા લઈ ડુપ્લીકેટ સોફ્‌ટવેર વેચતો હતો તેમજ શહેરના અન્ય પરવાનેદારને પણ આજ પ્રકારે ડુપ્લીકેટ સોફ્‌ટવેર આપતો હતો. આરોપી હાલમાં એચસીએલ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સુરતમાં જિલ્લા એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.