નવી દિલ્હી, તા.૧
સુરેશ રૈનાના આઈપીએલ-૨૦૨૦ છોડવાના મામલે એક નવો ટિ્‌વસ્ટ આવ્યો છે. ચેન્નઈ સુપરકિંગ્સના માલિક એન શ્રીનિવાસને હવે સુરેશ રૈના પર આપેલા નિવેદનથી પલટી મારી છે. એન શ્રીનિવાસને હવે નવું નિવેદન કરતા કહ્યું કે તેના નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજુ કર્યું છે. તેમણે રૈના માટે આવું ક્યારેય કહ્યું નથી. શ્રીનિવાસને રવિવારે રૈનાના આઈપીએલ છોડી ગયા પછી કહ્યું હતું કે ખેલાડીઓના માથે સફળતા ચડી જાય છે. જલ્દી તેને ૧૧ કરોડ રૂપિયાની મોટી રકમ યાદ આવી જશે. વાતચીત કરતા એન શ્રીનિવાસને કહ્યું હતું કે તેમણે રૈના સામે ક્યારેય પણ નિવેદન આપ્યું નથી. હું તો સુરેશ રૈનાનું ચેન્નઈની સફળતામાં યોગદાનને અનમોલ માનું છું. રૈનાનું ચેન્નઈ સુપરકિંગ્સની સફળતામાં મહત્વનું યોગદાન રહ્યું છે. રૈના હાલના સમયે કઈ સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે તે સમજવું જરૂરી છે. તેને થોડા સમય માટે એકલો છોડવાની જરૂર છે. આ પહેલા રવિવારે એન શ્રીનિવાસે આઉટલુક સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં રૈના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચેન્નઈ સુપરકિંગ્સ હંમેશા પરિવારની જેમ રહી છે. મારો વિચાર એવો છે કે જો તમે ખુશ ન હોય તો પરત જતા રહો. કોઈને કંઈ બોલવાની જરૂર નથી. ક્યારેક સફળતા તમારા માથે ચડી જાય છે. શ્રીનિવાસને આઉટલુકને કહ્યું કે, મેં ધોની સાથે વાત કરી અને તેણે મને ભરોસો આપ્યો કે ચિંતાની વાત નથી. તેણે ટીમના ખેલાડીઓ સાથે વીડિયો કૉલ પર વાતચીત કરી. મારી પાસે એક સારો કેપ્ટન છે. ધોનીને આવી વાતોથી ફરક નથી પડતો. ધોનીના કારણે ટીમના દરેક ખેલાડીને આત્મવિશ્વાસ ઊભો થાય છે.