(એજન્સી) તા.૧૭
પ.બંગાળમાં હવે જ્યારે વિધાનસભા ચૂંટણીઓ આડે સાત મહિના બાકી છે ત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજી ત્રીજી વખત સત્તા પ્રાપ્ત કરવા ચૂંટણી લડશે ત્યારે તેમને પોતાની ચાર દાયકાની રાજકીય કારકિર્દીમાં સૌથી આકરી અને મુશ્કેલ ચૂંટણીનો સામનો કરવો પડશે.
મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસ નેતાગિરીનું પુનર્ગઠન શરૂ કરી દીધું છે. ચૂંટણી રણનીતિ ઘડવામાં આવી રહી છે અને બુથ સ્તરના નેતાઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મમતા બેનરજી પોતાને ઉપલબ્ધ વહીવટી સત્તાનો ઉપયોગ કરવા પણ કૃતનિશ્ચયી છે. સોમવારે રાજ્ય સચિવાલયમાંથી મિડીયા સાથેની વાતચીતમાં મમતા બેનરજીએ રાજ્યમાં ૮૦૦૦ જેટલા ગરીબ હિંદુ પુરોહિતો માટે પ્રત્યેકને રૂા.૧૦૦૦નું માસિક સ્ટાઇપેન્ડ જાહેર કર્યુ છે.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ગરીબ હિંદુ પુરોહિતો મને અનેક વખત મળ્યાં હતાં આથી અમે ૮૦૦૦ જેટલા પુરોહિતોને માસિક રૂા.૧૦૦૦ની રાહત સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર બંગ્લાર આવાસ યોજના હેઠળ જેમને ઘર નથી એવા ગરીબ પુરોહિતો માટે ઘરો પણ બાંધશે. મમતા બેનરજીની આ હીલચાલ મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપ અને આરએસએસએ સફળતાપૂર્વક એવી છાપ ઊભી કરી છે કે મમતા બેનરજી હિંદુ વિરોધી છે અને તેમની નીતિઓ માત્ર લઘુમતી જૂથને ખુશ કરવાની આજુબાજુ ચાલે છે. ૨૦૧૨માં રાજ્ય સરકારે ઇમામને રૂ.૨૫૦૦નું અને મુએઝીનને રૂ.૧૦૦૦નું માસિક માનદ વેતન આપવાનો નિર્ણય કર્યો હતો. આમ રોકડ સહાય સાથે મમતા બેનરજી હવે પોતે ગુમાવેલા મતદારોને રીઝવીને ભાજપની લોકપ્રિયતા સામે લડત આપનાર છે. જો કે રોકડ સહાયનો વ્યૂહ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે નિષ્ફળ રહ્યો છે. ભાજપે ખાસ કરીને જ્યાં એસસી અને એસટીની બહુમતી છે એવા દિનાજપુર, દ.દિનાજપુર, મુર્શીદાબાદ અને નાદિયા જિલ્લાઓમાં ભાજપનો સારો દેખાવ જોવા મળ્યો છે.