(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૯
ગતરોજ પાલિકાની મળેલી સભામાં કોંગ્રેસના સભ્યોએ રોગચાળા મુદ્દે સત્તાપક્ષ અને વહીવટને આડેહાથ લીધો હતો. આ અંગેના કોર્પોરેટરના સવાલનો જવાબ આપતા ડે.કમિશ્નરે હું અહીં ટ્રેનીંગ આપવા બેઠો નથી તેવું જણાવતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો. આખરે વિપક્ષની આ મામલે એક જુથતાના તમામ જવાબ આપવા પડ્યા હતા. પાલિકાની સભામાં રોગચાળા મુદ્દે સત્તાપક્ષ ભાજપના આરોગ્ય સમિતીના અધ્યક્ષ ડો. રાજેશ શાહ (નિકીર) એ કરેલા નિવેદન મુદ્દે કોંગ્રેસના સભ્યોએ સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં કે અન્ય વર્ષ કરતાં રોગચાળો ઓછો છે તેવું બતાવીને ખુશ થવા જેવું નથી. પરંતુ તેના બદલે રોગચાળો કેમ થયો અને શું શું ખામી રહી તે અંગે તપાસ કરી તંત્ર પોતાની ભુલ સુધારી શકે તેમ છે. રોગચાળો ઓછો કરતાં ન થાય તે જ શહેરીજનોના હિતમાં છે. આ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર ફરીદ કટપીસે સવાલ કર્યો હતો કે, મેયરના માધ્યમથી હું જાણવા માગુ છું કે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે જેવા રોગ થવા પાછળનું કારણ શું છે જે સામે હાજર ડે. કમિશ્નર પંકજ ઔંધિયાએ જણાવ્યું હતું કે, મચ્છરોના કારણે રોગચાળો થઇ રહ્યો છે. જે બાદ ફરીદે વધુ સવાલ પુછયો હતો કે, મચ્છરો કેવી રીતે થાય છે જે સામે ઔંધિયાએ પ્રત્યુત્તર આપ્યો હતો કે, આ આરોગ્યનું શિક્ષણ આપવાનું માધ્યમ નથી અને હું અહી ટ્રેનિંગ આપવા બેસતો નથી. આરોગ્યની શિબીર હશે તો તમને બોલાવી લઇશું. જેમાં તમને આ બધા સવાલના જવાબ મળશે. ડે. કમિશ્નરના આવા જવાબથી હાજર વિપક્ષના કાઉન્સીલર ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ ખુબ હોબાળો મચાવ્યો હતો. વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ જણાવ્યું હતું કે, સભ્યના કોઇપણ પુછેલા પ્રશ્નોનો જવાબ આપવા અધિકારીઓ બંધાયેલા છે. જો તેમને જવાબ આપવો ન હોય તો સભામાં આવવું ન જોઇએ. અન્યથા સભાસદ સાથે કેવી રીતે વતર્ણુંક થાયે તેનું પુરેપુરૂ ધ્યાન રાખવું જોઇએ. આવું અપમાન અમે ચલાવી લઇશું નહીં. ચિરાગ ઝવેરીએ જણાવ્યું કે, તમામ અધિકારીઓએ તેની મર્યાદામાં રહેવું જોઇએ જવાબદાર જગ્યાએ બેસી અધિકારીઓ ગુસ્સો, મગજ કાબુમાં રાખવો જોઇએ. જે બાદ ડે. કમિશ્નર ઔંધિયાએ કોર્પોરેટર ફરિદ કટપીસના પાછળથી તમામ જવાબ આપતા મામલો થાળે પડ્યો હતો.