(એજન્સી) તા.૧૭
ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ લોકોને પોતાની સરકાર અને વિધાયકોને પસંદ કરવાની તક પૂરી પાડે છે. પરંતુ બિહારના પુર્નિયા જિલ્લામાં આવેલા સહાનગોવા ગામમાં લોકો માટે મતદાન એ આ વર્ષે અગ્રીમતા નથી. તેમના માટે પૈસા કમાવાની, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની, પોતાનું દેવું ચૂકવવાની વધુ પ્રાથમિકતા છે. સહાન ગામના ૨૫ લોકોનું એક જૂથ હરિયાણામાં પાણીપત જવા રવાના થઇ રહ્યું છે કે જ્યાં તેઓ ડાંગરના ખેતરોમાં કામ કરશે અને પરિવારનો નિર્વાહ કરવા માટે રોજીરોટી કમાશે. આ ગામમાં ૭, નવે. મતદાન યોજાનાર છે. તેમનામાં સરકાર વિરુદ્ધ ભારે નિરાશા અને આક્રોશ છે. તેમને આ વર્ષે લોકડાઉન અને પ્રચંડ પૂરનો એમ બેવડો માર પડ્યો છે અને તેથી તેમણે રાજ્યની બહાર જઇને કામ શોધવા અને કામ કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી. લોકડાઉન અને પૂરનો બેવડો માર સહન કરનાર બિહારના આ શ્રમિકો કહે છે કે ચૂંટણીઓ અમારૂં પેટ ભરશે નહીં. અમારે રોજીરોટીની શોધમાં અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યા વગર છૂટકો નથી. આ ગામના રહેવાસી મોહમદ મુખ્તારે જણાવ્યું હતું કે અમે પાણિપત જવામાં ૩૫૦૦ ખર્ચીએ છીએ. હવે મતદાન કરવા માટે ગામમાં પરત આવવા આટલી જ રકમ ખર્ચીએ તો અમે કમાઇએ શું ? મહિનામાં અમે રૂા.૧૦થી ૧૨૦૦૦ કમાઇએ છીએ અને જો અમે આવવા જવામાં રૂા.૬૦૦૦થી ૭૦૦૦ ખર્ચી નાખીએ તો અમારા માટે બચે શું ? અમે અમારા પરિવારની સંભાળ કઇ રીતે લઇએ ? અમે મતદાનનું મહત્વ સમજીએ છીએ પરંતુ લોકડાઉનમાં અમે કરીએ પણ શું ?