જામનગર, તા.ર૧
‘લીખતેં લીખતેં લવ હો જાયેં’ સ્લોગન સાથે બજારમાં બોલપેનનું વેચાણ કરતી રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ દેશભરમાં બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાના પ્રકાશમાં આવેલા અહેવાલો પછી રોટોમેક ગોટાળા કૌભાંડનું જોડાણ જામનગર સાથે ખૂલવા પામ્યું છે.
જામનગરની યુનિયન બેંક અને દેના બેંકમાંથી કરોડો રૂપિયાની લોન મેળવનાર આ પેઢી પાસેથી બાકી રકમની વસૂલાત માટે યુનિયન બેંકે આજે હરિયા કોલેજ રોડ પર આવેલી વિક્રમ કોઠારીની કરોડોની કિંમતની એક જમીન જે જગ્યાએ બાંધકામનું ખોખું ઉભું છે ત્યાં સીલ લગાવી દીધા છે. ગઈકાલે વિક્રમ કોઠારીની દરેડમાં આવેલી એક મિલકત સીલ કર્યા પછી આજે બીજી મિલકત પણ સીલ થવા પામી છે.
દેશમાં રોટોમેક બ્રાન્ડથી બોનપેન બનાવવાનો વ્યવસાય કરતા વિક્રમ મનસુખલાલ કોઠારીએ દેના બેંક પાસેથી દરેડ જીઆઈડીસી ફેસ-થ્રીમાં આવેલી વેસ્ટ કોસ્ટ એક્સટ્રુઝન પ્રાઈવેટ મિલિટેડ નામની પેઢી પર અંદાજે રૃપિયા ચાલીસેક કરોડની લોન મેળવ્યા પછી હાથ ઉંચા કરી લેતા ચકચાર જાગી છે.
અંદાજે રૂા.૩૯૦૦ કરોડનો આર્થિક ગોટાળો કરનાર વિક્રમ કોઠારીએ બેંકોને ઠંડા પાણીએ નવડાવી દેવાનું કૃત્ય આચર્યું છે ત્યારે જામનગરમાં હરિયા કોલેજ સામે આવેલી રેવન્યુ સરવે નંબર-૧૪૧૧ વાળી અંદાજે ૩૪૨૧.૭૬ ચો.મી. વાળી જગ્યા યુનિયન બેંકની કાનપુર શાખા પાસે ગિરવે મૂકી તેના પર જંગી રકમની લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે. યુનિયન બેંકે જામનગર સ્થિત વિક્રમ કોઠારીની આ મિલકત સીલ કરી દઈ તેના પર નોટીસ લગાડી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બેંકે વિક્રમ કોઠારી પાસે રૂા.૪૬૩ કરોડ અને ૯૫ લાખ લેવાના બાકી નીકળે છે તેના અનુસંધાને કોઠારીની આ મિલકત સીલ કરવામાં આવી છે.