(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
લોકસભામાં બુધવારે દિલ્હીના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફાટીનીકળેલા કોમી રમખાણો અંગે ચર્ચા શરૂ કરવામાં આવતા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ દિલ્હીના રમખાણોને માનવતાનો પરાજય ગણાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમાંથી કોંગ્રેસના સાત સભ્યોના સસ્પેન્શન રદ કરવામાં આવ્યા બાદ તરતજ લોકોસભામાં દિલ્હીના કેટલાક ભાગોમાં તાજેતરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. ચર્ચાની શરૂઆત કરતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ જણાવ્યું કે કેટલાકે હિન્દુઓના વિજયનો દાવો કર્યો તો, કેટલાકે હિંસામાં મુસ્લિમોના વિજયનો દાવો કર્યો છે પરંતુ સત્ય એ છે કે દિલ્હીની કોમવાદી હિંસામાં માનવતાનો પરાજય થયો છે. દેશની શ્રેષ્ઠરીતે સુસજ્જ પોલીસ હોવા છતાં ત્રણ દિવસ સુધી દિલ્હીમાં હિંસા કેવી રીતે ચાલુ રહી ? એ બાબતે ચૌધરીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે દિલ્હીની હિંસા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખુલાસો કરવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રહાર કરતા ચૌધરીએ જણાવ્યું કે રોમ સળગી રહ્યું હતું ત્યારે નિરો ફિડલ વગાડતો હતો. તેમણે એવો દાવો પણ કર્યો કે દિલ્હીમાં હિંસા સર્જાઇ ત્યારે પીએમ મોદી અમદાવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યજમાની કરી રહ્યા હતા.