નવી દિલ્હી, તા.૧૯
નિદાહાસ ટ્‌વેન્ટી-ર૦ ટ્રોફીમાં રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફાઈનલ બાદ મેદાન પર જે દૃશ્ય જોવા મળ્યું તે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. ભારતના કપ્તાન રોહિત શર્માની અદાએ શ્રીલંકન ક્રિકેટપ્રેમીઓને એવા ઘાયલ કર્યા કે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તમે એ તો જાણો છો કે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ઘણો વિવાદ થયો. મેદાન પર બાંગ્લાદેશી ખેલાડીઓનું વર્તન અને બાદમાં ડ્રેસીંગરૂમનો કાચ તોડવાની ઘટના શરમજનક હતી. આ ઘટનાથી શ્રીલંકન ક્રિકેટપ્રેમીઓમાં ઘણો રોષ હતો અને તેઓ ફાઈનલમાં તિરંગો લઈ રોહિત એન્ડ કંપનીનો જુસ્સો વધારવા પહોંચ્યા હતા. શ્રીલંકન મૂળના લોકો હિન્દીમાં ‘જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા’ના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આજ કારણ હતું કે ફાઈનલ જીત્યા બાદ રોહિત શર્મા અને પૂરી ટીમે મેદાન પર ચક્કર લગાવી શ્રીલંકન દર્શકોનો આભાર વ્યક્ત કર્યો. એક શખ્સ શ્રીલંકન ધ્વજ સાથે ભારતીય ટીમ સાથે ચાલી રહ્યો હતો. રોહિતે આ શખ્સ પાસેથી શ્રીલંકાનો ધ્વજ લઈ લીધો. રોહિતના આ અંદાજ પર શ્રીલંકન ક્રિકેટપ્રેમીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા અને ઘણા બધા શ્રીલંકન ક્રિકેટપ્રેમીઓની આંખો આંસુ છલકાઈ ગયા. આ કપ્તાન રોહિત શર્માને મળેલા સહયોગ માટે શ્રીલંકન દર્શકોનો આભાર વ્યક્ત કરવાની પોતાની રીત હતી અને તેના આ અંદાજથી હજારો શ્રીલંકન ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું.