નવી દિલ્હી, તા.૨૭
વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્‌વેઈન બ્રાવોને લાગે રોહિત શર્મા ટી-૨૦ વર્લ્ડકપમાં સદી ફટકારનાર પહેલો બેટ્‌સમેન બની શકે છે. ચેન્નાઈ સુપરકિંગ્સના ઓલરાઉન્ડરને લાગે છે કે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં બેવડી સદી ફટકારવામાં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન સૌથી પહેલો ખેલાડી હશે.
ઉલ્લેખનીય છે કે, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર છ બેટ્‌સમેનો જ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. પરંતુ ટી-૨૦ ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ આવું કરી શક્યું નથી. રોહિત પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. વન-ડેમાં તેના નામે ત્રણ બેવડી સદી છે. તે આ ફોર્મેટમાં એકથી વધારે વખતે બેવડી સદી ફટકારનારો એકમાત્ર બેટ્‌સમેન છે. એક ઇન્ટરવ્યૂમાં બ્રાવોને જ્યારે પૂછવામાં આવ્યું કે, ટી-૨૦ ફોર્મેટમાં ક્યો બેટ્‌સમેન સૌથી પહેલી બેવડી સદી ફટકારશે તો તેણે રોહિત શર્માનું નામ લીધું. રોહિતના નામે ટી-૨૦ ક્રિકેટમાં છ સદી છે. જેમાંથી ચાર સદી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અને બે લીગ ક્રિકેટમાં બનાવી છે.
ટી-૨૦ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પૂણે વોરયિર્સ સામે ૧૭૫ રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચનું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે. ફિન્ચે ૭૬ બોલમાં ૧૭૨ રનની ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સ ૨૦૧૮માં ઝિમ્બાબ્વે સામે બની હતી. આ બાદ અફઘાનિસ્તાન હજરતુલ્લાહ જજઈનો નંબર આવે છે. તેણે આયરલેન્ડ સામે ૬૨ બોલમાં ૧૬૨ રન બનાવ્યા હતાં.