મુંબઇ, તા.૩૧
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ ક્વોરન્ટાઈનમાં સમય ગાળ્યા બાદ હવે ૩૧ ડિસેમ્બરથી પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. રોહિતે બેટિંગ કોચ વિક્રમ રાઠોડની દેખરેખમાં ટ્રેનિંગ શરૂ કરી છે. રોહિત સિડનીમાં ક્વોરન્ટાઈન સમય પૂરો કર્યા બાદ બુધવારે ટીમની સાથે મેલોબર્ન પહોંચ્યો હતો. રોહિત શર્મા ઈજાને કારણે ટીમની સાથે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા જઈ શક્યો ન હતો. તો લિમિટેડ ઓવરોની સીરિઝનો ભાગ પણ ન હતો. એટલું જ નહીં ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચ પણ તે રમી શક્યો ન હતો. જે બાદ રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી અને તે ઓસ્ટ્રેલિયા માટે રવાના થયો હતો. જો કે ટીમની સાથે જોડાતાં પહેલાં તેણે નિયમ અનુસાર ક્વોરન્ટાઈન થવું પડ્યું હતું.
ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે ચાર જાન્યુઆરીએ સિડની પહોંચશે. પહેલા ટીમને ૩૧ ડિસેમ્બરે સિડની પહોંચવાનું હતું. પણ કોવિડ-૧૯ની પરિસ્થિઓને કારણે ટીમની યોજનામાં બદલાવ થયો હતો. બીસીસીઆઈએ ટ્‌વીટ કરીને રોહિતે ટ્રેનિંગ શરૂ કરી હોવાની જાણકારી આપી હતી. બીસીસીઆઈએ ટ્‌વીટ કર્યું કે હિટમેન અહીં આવી ચૂક્યો છે અને એન્જિન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે રોહિતને ટીમમાં સામેલ કરવા પર કોઈ પણ નિર્ણય ફિટનેસના આકલન બાદ કરવામાં આવશે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ સાત જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.