સિડની, તા.૮
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાં એકવારી ફરી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો છે, તેમ છતાં તેણે એક મોટો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. રોહિતે ૨૬ રનની ઇનિંગ દરમિયાન એક છગ્ગો પણ ફટકાર્યો અને આ સાથે જ તે ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ તમામ ફૉર્મેટમાં મળીને ૧૦૦ છગ્ગા લગાવનારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ ૧૬મી ઑવરમાં નાથન લિયોનની બૉલિંગમાં આગળ આવીને છગ્ગો ફટકાર્યો અને આ સાથે તે ઑસ્ટ્રેલિયાઈ ટીમની વિરૂદ્ધ તમામ ફૉર્મેટમાં મળીને ૧૦૦ છગ્ગા લગાવનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે હિટમેન રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ વન-ડેમાં ૬૩ છગ્ગા લગાવ્યા છે. રોહિત ઉપરાંત ઑસ્ટ્રેલિયાની સામે સર્વાધિક છગ્ગા ઇંગ્લેન્ડના ઇયોન મૉર્ગને લગાવ્યા છે, પરંતુ તે આ મામલે શર્માની આસપાસ પણ નથી. મૉર્ગનના નામે ૬૩ છગ્ગા નોંધાયેલા છે. વાત કરીએ રોહિતના આંતરરાષ્ટ્રીય કેરિયરમાં કુલ છગ્ગાઓની તો હવે તેના નામે ત્રણેય ફૉર્મેટમાં ૪૨૪ છગ્ગાઓ થઈ ગયા છે અને હવે તે પાકિસ્તાની ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો રેકૉર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે.
આફ્રિદીના નામે કુલ ૪૭૬ છગ્ગા છે, જ્યારે વેસ્ટઇન્ડીઝનો ક્રિસ ગેલ ૫૩૪ છગ્ગા સાથે આજે પણ ટોચના ક્રમે છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં ઇજાગ્રસ્ત થયા બાદ રોહિત બેંગલુરૂની રાષ્ટ્રીય એકેડમીની દેખરેખ હેઠળ હતો અને ઑસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ નહોતો. તે ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ટી-૨૦ અને વન-ડે સિરીઝ નહોતો રમી શક્યો, પરંતુ ઠીક થયા બાદ તેને અંતિમ ૨ ટેસ્ટ મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.