મુંબઈ,તા.૯
આગામી એક બે દિવસમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટવેન્ટી-ર૦ અને ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થશે. આ પહેલા અટકળો શરૂ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. રોહિત શર્માને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટવેન્ટી-ર૦ સીરીઝ માટે ભારતીય ટીમનો કપ્તાન બનાવી શકાય છે. આ સાથે જ રોહિતને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ માટે પણ ભારતીય ટીમનું નેતૃત્વ સોંપવામાં આવી શકે છે. હાલના ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં બ્રેક લઈ રહ્યો છે અને તે મુંબઈમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે ટીમ સાથે જોડાશે એવું પણ જાણવા મળ્યું છે કે, કોહલી ન્યુઝીલેન્ડ સામે ટવેન્ટી-ર૦ સીરીઝમાં પણ નહીં રમે હાલનો ઉપકપ્તાન રહાણે જે ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ફોર્મમાં ન હતો તે ઉપકપ્તાન પદે જળવાઈ રહેશે. ટવેન્ટી-ર૦ સીરીઝ માટે કે.એલ. રાહુલને ટીમનો ઉપકપ્તાન બનાવી શકાય છે. ટીમના અમુક સીનિયર ખેલાડીઓ બુમરાહ, મો.શમીને ટવેન્ટી-ર૦ સીરીઝમાં આરામ આપી શકાય છે. વરૂણ ચક્રવર્તીના સ્થાને હર્ષલ પટેલને તક મળી શકે છે. હર્ષલે આઈપીએલની ગત બે સીરીઝમાં સારૂ પ્રદર્શન કર્યું છે. પણ તેની અવગણના કરવામાં આવી હતી. શ્રેયસ અય્યર જે પહેલા ટવેન્ટી-ર૦ ટીમનો હિસ્સો ન હતો તે પુનરાગમન કરી શકે છે. જયપુર, રાંચી અને કોલકતામાં પહેલા ત્રણ ટવેન્ટી-ર૦ મેચ રમાશે જયારે કાનપુર અને મુંબઈમાં સીરીઝની બે ટેસ્ટ મેચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમ દ.આફ્રિકાના પ્રવાસે ત્રણ મેચોની ટેસ્ટ, ૩ વન-ડે અને ચાર મેચોની ટવેન્ટી-ર૦ સીરીઝ રમશે આ સીરીઝની શરૂઆત ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે.