(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં પ્રદર્શન કરતા સુરત મહાનગર પાલિકાના યુનિયનોની સ્ટીયરીંગ કમિટિના આગેવાનો સાથે બેઠક કરવા માટે મનપા કમિશનરે લેખિતમાં જાણ કરતા બે દિવસથી ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓએ આંદોલન મુલત્વી રાખવાની ઘોષણા કરી હતી. સ્ટીયરિંગ કમિટિના કન્વીનર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ધરણાંના ત્રીજા દિવસે ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે યુનિયનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તા. ૨૦મી ફેબ્રુઆરીના રોજ મનપા કમિશનર યુનિયનના આગેવાનો સાથે બેઠક આયોજન કર્યાનો પત્ર આપવામાં આવ્યો હતો. જેથી હાલ ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. વધુમાં ઇકબાલ શેખે જણાવ્યું કે ૧૦ જેટલા પડતર પ્રશ્નો અંગે ત્રણ-ત્રણ મનપા કમિશનર બદલાય ગયા છતા પણ નિરાકરણ આવ્યું નથી. આ વખતની મનપા કમિશનર સાથેની બેઠકમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર લડત ચલાવવામાં આવશે.