(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
૧૭મી લોકસભાની ચૂંટણીઓમાં હવે એક વર્ષ જેટલો જ સમય બાકી છે. એવામાં તમામ રાજનૈતિક પક્ષો સમીકરણ જોડવામાં લાગેલા છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં પેટાચૂંટણીઓના પરિણામથી વિપક્ષ ઉત્સાહિત છે. આ પરિણામો બાદ આંધ્રપ્રદેશમાં ભાજપના સહયોગી પક્ષ ટીડીપીએ પણ તેની સાથે છેડો ફાડ્યો છે. જો ર૦૧૯માં વિપક્ષ મહાગઠબંધન સાથે ઉતરે તો મોદી સરકાર માટે ન માત્ર જીત મેળવવી મુશ્કેલ બનશે પરંતુ તેમણે સત્તા ગુમાવવી પડે એવું પણ બની શકે છે. રાજનૈતિક વિશ્લેષકો મુજબ ત્રણ મોટા રાજ્યોમાં એનડીએએ ૮૦થી વધુ બેઠકોનું નુકસાન ભોગવવું પડી શકે છે, ઉત્તરપ્રદેશમાં તો ગઠબંધનને કારણે ભાજપ નુકસાન વેઠી ચૂક્યું છે. પરંતુ બિહારમાં પણ વિપક્ષે જો મોટું ગઠબંધન રચ્યું તો ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. બિહારમાં એનડીએના સહયોગી જીતનરામ માંઝીનો પક્ષ અલગ થઈ મહાગઠનમાં જોડાઈ ચૂક્યો છે જ્યારે અન્ય સહયોગી દળ રાષ્ટ્રીય લોકસમતા પક્ષની પણ મહાગઠબંધનમાં જોડાવવાની અટકળો છે. જદયુના વિખંડનથી શરદ યાદવનું જૂથ નીતિશથી અલગ થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં રાજદ, કોંગ્રેસ, હમ, રાલોસપા અને શરદ યાદવ મળીને એક મોટું મહાગઠબંધન રચી શકે છે.
ગુજરાતમાં ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓમાં બદલાવેલા રાજનૈતિક સમીકરણોની અસર જોવા મળી જેમાં ભાજપને ભારે નુકસાન વેઠવું પડ્યું. ર૦૧૯માં કોંગ્રેસ, સપા, બસપા અને એનસીપી સાથે મળી ચૂંટણી લડે તો તેમને નોંધપાત્ર સફળતા મળી શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો માટે ર૦૧૪માં ભાજપ અને શિવસેનાએ મળીને ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસ અને એનસીપીએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી. અહીં પણ જો આ બંને પક્ષો મળીને ચૂંટણીમાં ઉતરે તો લોકસભાની બેઠકો વધારી શકે છે.નોંધનીય છે કે શિવસેના જાહેરાત કરી ચૂકી છે કે તેમના રસ્તા ભાજપથી જુદા છે.
ભાજપના ગઢ કહેવાતા અન્ય રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ છે.
આ ત્રણે રાજ્યોમાં લોકસભાની કુલ ૬પ બેઠકો છે. આ સિવાય ઝારખંડ અને કર્ણાટકમાં પણ લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. નોંધનીય છે કે વિપક્ષ નેતા સોનિયા ગાંધીના ભોજન સમારંભમાં ર૦ પક્ષોના નેતા સામેલ થયા હતા અને તમામે ગઠબંધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.