વાગરા, તા.૧૭
વાગરાના પાદરિયા ગામ નજીકથી પસાર થતી ગેસ પાઈપ લાઈનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા પંથકના લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. આગ એટલી બધી ભયાનક હતી કે, ૨૦ કિ.મી. દૂર વાગરાથી પણ જોવા મળી હતી. જો કે, આસપાસના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત વિગતોઅનુસાર ગત રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ એકાએક વિશાળ આગ ફાટી નીકળી હતી. આગની ભયાનકતા એટલી બધી હતી કે, પંથકના ગામડાના લોકોમાં રીતસરનો ભય વ્યાપી ગયો હતો. પ્રથમ તો આગ યુ.પી.એલ. કંપનીમાં લાગી હોવાનું ગ્રામ્ય વિસ્તારના લોકોએ અનુમાન લગાવ્યું હતું. પરંતુ તપાસના અંતે યુ.પી.એલ. કંપનીના પાછળના ભાગે અને પાદરિયા ગામની સીમમાં આવેલ ખાતા નંબર ૨૭૯ વાળી જમીનમાંથી પસાર થતી ઓએનજીસીની ગેસ પાઇપ લાઈનમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. ભીષણ આગને પગલે આસપાસની કંપનીના ફાયર ફાઈટરો આગ ઓલવવા માટે દોડી ગયા હતા. ઓએનજીસીના ટેક્નિકલ સ્ટાફના માણસોએ ગેસનો પ્રવાહ બંધ કરતા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. સ્થળ પર દોડી ગયેલ પોલીસ, મામલતદાર, ટીડીઓ અને તલાટીએ હાશકારો અનુભવ્યો હતો. આગની તીવ્રતા એટલી બધી હતી કે, ૨૦ કિ.મી. દૂર વાગરાથી પણ આગની જ્વાળાઓ દૃશ્યમાન થતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓ.એન.જી.સી.ની જે પાઇપ લાઈનમાં આગ લાગી હતી એની એકદમ નીચેથી આઈઓસીએલ કંપનીની ગેસ લાઈન પસાર થતી હોવાનું જાણવા મળેલ છે. જો આગ ઉપર સમયસર કાબૂ ના મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જો કે, લીકેજ થયેલા ગેસ પર કાબૂ મેળવાતા પંથકના ગામડાના લોકોને સૌ પ્રથમ શાંતિ થઈ હતી. આ અંગે આઈઓસીએલના સિક્યુરિટી ગાર્ડે ૯/૯/૨૦ના રોજ લીકેજ અંગે ઓએનજીસીને જાણ કરી હતી. પરંતુ ઓએનજીસી દ્વારા ધ્યાન ધરવામાં ન આવ્યું હોવાની વાતો ઠેર-ઠેર ચર્ચાની એરણથી ચઢી છે. જેને પગલે ઓએનજીસીની બેદરકારી છતી થયાનું બહાર આવ્યું હોવાનો પાંચ ક્યાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.