(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૨૦
ભાવનગર નજીકના ઘોઘા ગામના સાત અને ર૦ ગુજરાતીઓ સહિત ૬૧ ભારતીયો સઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં બાંધકામ અર્થે ગયા હતા, ત્યાં અટવાઈ જતા આ ભારતીયોને પરત લાવવા ઘોઘાના સરપંચ અંસારભાઈએ વિદેશ પ્રધાનને રજૂઆતો કરી હતી, જે અંગે હાલ ભાવનગરના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતનાઓએ તમામ વિગતો મેળવી રિપોર્ટ કરી કામગીરી હાથ ધરી છે. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ભારતીય કામદારો જેમાંથી ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના ૭ શખ્સો લગભગ છેલ્લા ર વર્ષથી તેઓ વર્ક પરમિટની મુદ્દત પૂરી થઈ હોવાથી રિયાધમાં અટવાયા છે અને જો તેઓ જે કમ્પાઉન્ડમાં રહે છે, તે છોડે તો તેઓની ધરપકડ થવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક કામદારોની વર્ક પરમિટ જૂન ર૦૧૮માં સમાપ્ત થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ઘોઘા ગ્રામ પંચાયતના સરપંચ અંસારભાઈ રાઠોડે ૪ સપ્ટેમ્બરના રોજ ભારતના વિદેશમંત્રીને પત્ર લખી તથા રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રને પણ આ અંગેની રજૂઆતો મોકલી કામદારોની દુર્દશા પર તાકિદે ધ્યાન આપવા રજૂઆતો કરી હતી. આ ફસાયેલા કામદાર પૈકી ૧ મોહમ્મદ યાસીન ગુલામભાઈ શેખ હતા, જેઓની પાસે માન્ય વર્ક પરમિટ હોવાથી તેઓ સઉદી અરેબિયાથી નીકળવામાં સફળ થયા છે. જો કે, હજુ પણ ઘોઘા ગામના ૭ અને ગુજરાતના અન્ય ભાગોમાંથી ૧ર જેટલા લોકો કેટલાય મહિનાઓથી કોઈ પગાર વિના ત્યાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.