(એજન્સી) તા.ર૮
લશ્કરી હવાઈ મથક અવંતીપોરાથી ઉડાન ભરતા વિમાનોને પોતાના મકાનની છત પરથી ત્યાં સુધી જોવું જ્યાં સુધી વિમાન દૃષ્ટિમાંથી ગાયબ ન થઈ જાય. સમાચાર માહિતી અનુસાર નાનકડા ફરહાનનો વિમાન ઉડાડવાનું સ્વપ્ન બાળપણથી જ તેની આંખોમાં તરતું હતું. ક્યારેક આંખો બંધ કરીને વાદળોમાં પહોંચી જવું. બાળપણથી જ વિમાન ઉડાડવાની જીદ પર પિતાએ માર્યો તો માતાએ પ્રેમથી સમજાવ્યું કે આના માટે તારે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે અને પાયલટ બનવું પડશે. પછી બીજું શું થવાનું હોય, નાનકડા ફરહાને માતાની આ વાત ગાંઠમાં બાંધી લીધી. ખૂબ જ લગનથી અભ્યાસમાં ધ્યાન આપીને અને દૃષ્ટિ આકાશમાં ઊડતા વિમાનો પર ટકાવેલી રાખીને પરિશ્રમ અને લગનથી ફરહાને પોતાના સ્વપ્નોને પાંખ આપી અને સફળતાની ઉડાન ભરવા માટે હવે તે તૈયાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા ક્ષેત્રના આ ર૦ વર્ષીય યુવાન ફરહાન મજીદે કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવી લીધું છે અને આ સિદ્ધિ મેળવનારો તે સૌથી નાનો કાશ્મીરી યુવક છે. ૧રમું ધોરણ પાસ કર્યા પછી ફરહાને ઉત્તરાખંડના ગ્લોબલ કનેક્ટ એવિએશન સર્વિસ પ્રા.લિ.માં પ્રવેશ મેળવ્યો જેથી વ્યવસાયિક પાયલટ તરીકે તાલીમ મેળવી શકે. અઢી વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્રમ અને તાલીમ પૂરી કર્યા પછી ગયા વર્ષે નવેમ્બરમાં ફરહાને લાયસન્સ હાંસલ કર્યું. હાલમાં તે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી લાયસન્સ પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાની તૈયારી કરવામાં વ્યસ્ત છે.