• કોરોનાએ રાજ્યમાં વધુ ૯ વ્યક્તિઓનો લીધો ભોગ : કુલ મૃત્યુઆંક ૩પ૩૧ ! • રાજ્યભરમાં કોરોનામાંથી કુલ ૧,ર૬,૬પ૭ લોકો સાજા થવામાં સફળ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
ગુજરાતભરમાં કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે રોજના પોઝિટિવ કેસોની સરેરાશ છેલ્લા કેટલાક દિવસોથી જળવાયેલી જોવા મળી રહી છે. રાજ્યમાં એક સમયે એક દિ’માં ૧૪૦૦થી પણ વધુ કેસ નોંધાયા બાદ તેમાં આંશિક ઘટાડો થવા પામ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ નવા ૧૩૧૧ કેસ બહાર આવ્યા છે જેમાં સૌથી ર૮૦ કેસ સાથે રાજ્યભરમાં સુરત જ ટોપ ક્રમાંક જાળવી રહેલ છે. બીજી તરફ અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો વધવા માંડ્યા છે. રાજ્યમાં કોરોનામાં વધુ નવ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાના મામલામાં રોજેરોજ ઉછાળારૂપ દર્દીઓ બહાર આવી રહ્યા હોઈ રાહતજનક છે. ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૧૪૧૪ દર્દીઓ કોરોનામાંથી સાજા સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજ્યનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૬.૩પ ટકાને પહોંચી જવા પામ્યો છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ઘટાડો જારી રહેતા પ૧,૩૮પ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૩૧૧ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૪૬,૬૭૩એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૯ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૩૧એ પહોંચ્યો છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૮૧, અમદાવાદ કોર્પોરેશન ૧૭૩, સુરત ૯૯, રાજકોટ કોર્પોરેશન ૮૬, વડોદરા કોર્પોરેશન ૮૦, જામનગર કોર્પોરેશન ૬૫, મહેસાણા ૫૩, રાજકોટ ૪૮, વડોદરા ૪૩, અમરેલી ૩૩, બનાસકાંઠા ૩૩, જામનગર ૨૮, ગાંધીનગર કોર્પોરેશન ૨૭, કચ્છ ૨૭, પાટણ ૨૫, ગાંધીનગર ૨૪, ભાવનગર કોર્પોરેશન ૨૩, ભરૂચ ૨૧, જૂનાગઢ ૨૧, પંચમહાલ ૨૦, સાબરકાંઠા ૨૦, જૂનાગઢ કોર્પોરેશન ૧૮, તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧પ જેટલા કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૩, મહેસાણા ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૯ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૩૧એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૬૬૫૭ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસોમાંથી ૧૬,૪૮૫ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૬ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૩૯૯ની સ્થિતિ સરકારી તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે.