(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૧
વલ્લભવિદ્યાનગરમાં વિવિધ વિદ્યાશાખાઓની કોલેજો અને શાળાઓનું સંચાલન કરતી અને કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતી ચારૂતર વિદ્યામંડળની ચુંટણીમાં ૨૪ વર્ષ બાદ ડા.સી એલ પટેલનાં કારમા પરાજય સાથે પરિવર્તન આવતા વિજેતા ઉમેદવારોનાં સમર્થકોએ ભારે ઉત્સાહ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. વલ્લભવિદ્યાનગરની ચારૂતર વિદ્યા મંડળનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદ માટે આજે સવારે ૯ થી ૨ દરમિયાન એડીઆઈટી કોલેજ સ્થિત મતદાન મથક ખાતે ચુંટણી યોજાઈ હતી, સાંજે ચાર કલાકે મતગણતરી બાદ પરિણામ જાહેર થતા છેલ્લા ૨૪ વર્ષથી ચારૂતર વિદ્યા મંડળનાં અધ્યક્ષપદે કાર્યરત ડા.છોટુભાઈ લલ્લુભાઈ પટેલનો પરાજય થયો હતો,અને અધ્યક્ષપદે ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલને તેમજ ઉપાધ્યક્ષપદે મનિષભાઈ સુરેશભાઈ પટેલને ચુંટાયેલા જાહેર કરાયા હતા,પરિણામ જાહેર થતાજ ભીખુભાઈ પટેલ અને મનિષભાઈ પટેલનાં સમર્થકોએ વિજયને વધાવી લઈ વિજેતા ઉમેદવારોને હારતોરા કરીને અભિનંદન પાઠવ્યા હતા.