(એજન્સી) તા.ર૮
ખેડૂત આંદોલનના નામે ર૬ જાન્યુઆરીએ રોમમાં ભારતીય વાણિજય દૂતાવાસમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. તે ઉપરાંત અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં કૃષિ કાયદાના વિરોધની આડમાં ભારતીય વાણિજય દૂતાવાસની બહાર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યા. સૂત્રો મુજબ ભારતીય સરકાર અહિં સતત આ સંબંધમાં ઈટાલીની ઓથોરીટીની સામે ચિંતા વ્યકત કરતી રહી છે, ત્યાં પ્રજાસત્તાક દિવસના અવસર પર પણ આ ચિંતા ઉઠાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારે આશા વ્યકત કરી છે કે ઈટાલીની સરકાર આ ઘટના માટે જવાબદાર લોકોની વિરૂદ્ધ એકશન લેશે અને આગળ આવી ઘટનાઓ ના થાય, તેને સુનિશ્ચિત કરશે. એશીયાનેટના એક વીડિયો મુજબ ખાલિસ્તાની સમર્થકોએ વાણિજય દૂતાવાસની દીવાલો પર સ્લોગન લખી નાખ્યા અને વાણિજય દૂતાવાસ પર ખાલિસ્તાની ધ્વજ પણ ફરકાવી દીધો. આ સમાચારમાં આ પણ દાવો કરવામાં આવ્યો કે પ્રદર્શનકારીઓએ ભારતના બંધારણની નકલોને પણ ફાડી દીધી. વોશિંગ્ટન ડીસીમાં શીખ ડીએમઈ યુથ અને સંગત તરફથી આયોજીત કરવામાં આવેલા એક પ્રદર્શનમાં કેટલાક ડઝન પ્રદર્શનકારી જોવા મળ્યા હતા અને ભારત વિરોધી સૂત્ર લગાવી રહ્યા હતા. પાછલા વર્ષે ડિસેમ્બરમાં પણ પ્રદર્શનકારીઓએ વાણિજય દૂતાવાસની બહાર ખાલિસ્તાની ગાંધીજીની પ્રતિમાને પણ ખરાબ કરી દીધી હતી.