(એજન્સી) તા.૬
ભારતમાં કોવિડ-૧૯ના હોટસ્પોટમાંથી એક મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં ત્રણ ડૉક્ટરો અને ર૬ નર્સોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલને કામચલાઉ ધોરણે બંધ કરી તેને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલમાં અચાનક આટલા બધા કેસો વધી જવાની ઘટના અંગે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈને પણ હોસ્પિટલમાં પ્રવેશવાની કે તેમાંથી બહાર નીકળવાની પરવાનગી નથી. જ્યાં સુધી કે બધા દર્દીઓનો રિપોર્ટ બે વાર નેગેટિવ આવી જાય. હાલમાં હોસ્પિટલના ર૭૦થી વધુ દર્દીઓ અને નર્સોનો ટેસ્ટ ચાલી રહ્યો છે. હોસ્પિટલોની બધી ઈમરજન્સી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલની કેન્ટિન દર્દીઓ અને નર્સોને ખાવાનું પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-૧૯ના વધુ કેસો ધરાવતા વિસ્તારો માટે રવિવારે બફરઝોન અને સમગ્ર વિસ્તારને સીલ કરવા જેવી આક્રમક યોજનાઓ અમલમાં મૂકી હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૭૪પ કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાં ૪પ૮ જેટલા કેસો મુંબઈમાં નોંધાયા છે. અને રાજ્યના કુલ ૪પ લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે.