(એજન્સી) લંડન, તા.ર૪
ગત વર્ષે એક માર્ગ અકસ્માતમાં આઠ ભારતીયોના મૃત્યુ અંગે બે ટ્રક ચાલકોને બ્રિટનની એક અદાલતે જેલની સજા ફટકારી છે. બ્રિટનમાં આને ર૬ વર્ષમાં સૌથી ખરાબ માર્ગ દુર્ઘટના માનવામાં આવી છે. ગત મહિને સુનાવણી પૂરી થયા બાદ ૩૧ વર્ષીય નાગરિક રયસજાર્ડ મૈસિએરાકને જોખમકારક રીતે અને દારૂના નશામાં ધૂત થઈને ગાડી ચલાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. શુક્રવારે અદાલતે તેને ૧૪ વર્ષની કેદની સજા ફટકારી. જ્યારે અન્ય ટ્રક ચાલક પ૪ વર્ષીય ડેવિડ વાગસ્ટાફ એક કુરિયર કંપનીમાં કામ કરે છે. બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાનો ગુનો કબૂલ્યા બાદ તેને ૪૦ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી. જૂરીએ તેને અન્ય ગંભીર આરોપોમાંથી મુક્ત કરી દીધો. માર્ગ અકસ્માતમાં નોટિંધમના કેરળવાસી મિની બસ ચાલક ક્રિએક જોસેફ અને બસમાં મુસાફરી કરી રહેલ આઠ મુસાફરો માર્યા ગયા હતા. આ તમામ મુસાફરો ભારતીયો હતા.